જામનગર શહેરમાં તાજેતરમાં નોન-વેજ ખોરાક આરોગ્યા બાદ કેટલાક નાગરિકોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થયાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાની ફૂડ શાખા તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સતત બીજા દિવસે પણ દરોડા અને ચેકિંગની કાર્યવાહી યથાવત રહી હતી.
નોન-વેજ રેસ્ટોરન્ટ, કેટરર્સ અને લારીઓમાં સઘન તપાસ
ફૂડ શાખાની વિવિધ ટીમો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધમધમતી નોન-વેજ રેસ્ટોરન્ટો, હોટેલો, કેટરર્સ તેમજ ખાણીપીણીની લારીઓ પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, ફ્રેશનેસ તેમજ રસોડામાં રાખવામાં આવતી સ્વચ્છતાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.

