જામનગરની જીજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના 11 માસના માસુમ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. સવારે અત્યંત ગંભીર હાલતમાં બાળકને બાળ વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતાં તેના સેમ્પલ લઈને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

અગાઉ નોંધાયેલા 2 વર્ષના બાળકના મોતનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

આ અગાઉ બુધવારની રાત્રે કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના 2 વર્ષના બાળકની જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે, રાહતના સમાચાર એ છે કે તે 2 વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

જીજી હોસ્પિટલમાં 6 શંકાસ્પદ કેસ, હાલ 3 બાળકો બાળ વિભાગમાં સારવાર હેઠળ

જામનગરની જીજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કુલ 6 બાળદર્દીઓ નોંધાયા છે. તેમાંથી 4 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 2 બાળકોના રિપોર્ટ હજુ બાકી છે. હાલમાં હોસ્પિટલના બાળ વિભાગમાં કુલ 3 બાળકો સારવાર હેઠળ છે, જેમાંથી 2 બાળકોના રિપોર્ટ પ્રક્રિયા હેઠળ હોય આરોગ્ય વિભાગ દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Jamnagarમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગની મેગા તપાસ, 41 ખાદ્ય એકમો પર પાડ્યા દરોડા