ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ માટે જામનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ ખાતે વહીવટી તંત્ર અને સ્થાનિક મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ જામનગર અને ધ્રોલ તાલુકાના લતીપુર ગામે વિવિધ લોકઉપયોગી કાર્યક્રમોમાં હાજરી આપશે.
પ્રાકૃતિક ખેડૂત હાટનું લોકાર્પણ
મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે 'પ્રાકૃતિક ખેડૂત હાટ' વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેન્દ્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયું છે, જેનાથી જિલ્લાના 18 પ્રાકૃતિક ખેડૂતોને તેમની રસાયણમુક્ત પેદાશોના સીધા વેચાણ માટે કાયમી બજાર મળશે. અહીં શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, મસાલા, તેલ અને ગોળ સહિતની ચીજવસ્તુઓનું વેચાણ થશે, જેનાથી ખેડૂતોને ગ્રાહકો સાથે સીધો સંપર્ક અને યોગ્ય ભાવ મળી રહેશે. આ તકે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કરી જિલ્લામાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.



