ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે BAMS ત્રીજા વર્ષની પરીક્ષા દરમિયાન શલ્યતંત્ર 1 વિષયનું પ્રશ્નપત્ર લીક થયું હોવાના આક્ષેપો સામે આવતાં જ ભારે દોડધામ મચી ગઈ છે.ગત 20 જુલાઈના રોજ સવારે આ પરીક્ષા યોજાઈ હતી.પરીક્ષા પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયામાં પ્રશ્નપત્રને અદ્દલ મળતું આવતું મટિરિયલ વાયરલ થતાં પેપર લીક થયું હોવાની પ્રબળ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.જેને પગલે યુનિવર્સિટી વહીવટીતંત્રે તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે. આ માટે એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે. 

તમામ દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે

જામનગર યુનિવર્સિટીમાં સામે આવેલા ચર્ચાસ્પદ પેપર લીક મામલે યુનિવર્સિટી દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.આ સમગ્ર ઘટના અંગે તંત્ર અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પોલીસને વિધિવત જાણ કરી દેવામાં આવી છે.જેના પગલે ગઠિત તપાસ કમિટીએ ઘટના સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓ મેળવી લીધા છે. હાલ ચાલી રહેલી પરીક્ષાઓ પૂર્ણ થતાં જ આ તપાસને વધુ વેગવંતી બનાવવામાં આવશે.આ અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે ખાતરી આપતાં જણાવ્યું છે કે યુનિવર્સિટી દ્વારા વહેલાસર તપાસ પૂર્ણ કરવામાં આવશે અને આ મામલે સંડોવાયેલા તમામ દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

એસોસિએટ પ્રોફેસર કક્ષાના અધિકારીનો સમાવેશ

યુનિવર્સિટી દ્વારા ઉચ્ચસ્તરીય ત્રણ સભ્યોની ઇન્ક્વાયરી કમિટીની રચના કરવામાં આવી છે.આ તપાસ સમિતિમાં પ્રિન્સિપાલ કક્ષાના બે અધિકારીઓ અને એક એસોસિએટ પ્રોફેસર કક્ષાના અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેઓ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરશે.યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈ વિદ્યાર્થી,શિક્ષક, કર્મચારી કે અન્ય કોઈ વ્યક્તિ દોષિત સાબિત થશે, તો તેમની સામે યુનિવર્સિટીના નિયમો અનુસાર કડક શિસ્તભંગના પગલાં લેવાશે.

આ પણ વાંચોઃ Surat News: જમીનનો પ્લોટ આપવાના નામે કરોડોની ઠગાઈ આચરી, પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ