જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાંથી કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાયેલો છે. જેનો ફેલાવો અટકાવવા માટે તથા આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત અને તેની આજુબાજુનો 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે, જેને લઈને જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
2 કિલોમીટરનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો
જાહેરનામા મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જામનગર તરફથી મળેલી દરખાસ્ત અન્વયે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાંથી કોલેરાનો પોઝિટીવ કેસ નોંધાયેલો હોવાથી આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા અને તેની આજુબાજુના 2 કિલોમીટરના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે દરખાસ્ત મળેલી છે. તેથી કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એકટ નંબર 3 ઓફ 1897 અન્વયે જોગવડ ગામને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર તરીકે અને તેની આસપાસના 2 કિલોમીટરના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી, લાલપુરના કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્તિ કરી નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એનાયત કરવામાં આવી છે.
શું છે કોલેરાની બીમારીના લક્ષણો?
આ બીમારી પાણી અને ખોરાક મારફતે ફેલાય છે. આ રોગનું મુખ્ય લક્ષણ છે ઊધરસ થવી અને પાણી જેવા ડાયેરિયા થવા. કેટલીક વખતા ડાયરેયિા થવાની સમસ્યાને આપણે સામાન્ય માનીએ છીએ. પરંતુ હકીકતમાં તે કોઈ ઈન્ફેકશનના કારણે થાય છે. પાણી જેવા ડાયરિયા થવાથી દર્દીના શરીરમાં પાણી ઘટી જાય છે. જેના કારણે દર્દીના શરીરમાંથી જરૂરી વિટામિન અને પોષકતત્ત્વો ઘટી જતા ગંભીર સમસ્યા સર્જાય છે. પાણી જેવા ડાયરિયા થવા એ કોલેરાનું લક્ષણ હોઈ શકે છે. ખાસ કરીને ચોમાસા જેવી ઋતુમાં બેક્ટેરિયાથી થતી બીમારીનું જોખમ રહે છે.