જામનગર પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદે ખનીજ ચોરી અને પરિવહન પ્રવૃત્તિઓ પર ખાણ ખનીજ વિભાગે મોટી સ્ટ્રાઇક કરી છે. વિભાગની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરીને ગેરકાયદે ખનીજનું વહન કરી રહેલા કુલ 6 મોટા વાહનોને ઝડપી પાડ્યા છે.
રેતી અને બ્લેકટ્રેપનું ગેરકાયદે વહન
ખાણ ખનીજ વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચેકિંગ દરમિયાન ઝડપાયેલા વાહનો પૈકી એક વાહનમાં બ્લેકટ્રેપ ખનીજનો જથ્થો રોયલ્ટી પાસમાં મંજૂર કરવામાં આવેલી માત્રા કરતાં ઘણો વધારે હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય અન્ય પાંચ વાહનોમાં કોઈપણ પાસ-પરમિટ વગર સાદી રેતીનું ગેરકાયદે પરિવહન કરવામાં આવી રહ્યું હતું.
રૂ. 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત
તંત્ર દ્વારા કડક આકરા પગલાં ભરીને આ તમામ 6 વાહનો અને તેમાં ભરેલા ગેરકાયદે ખનીજના જથ્થા સહિત અંદાજે રૂપિયા 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા તમામ વાહનોને કાયદેસરની આગામી કાર્યવાહી અને દંડ વસૂલાત માટે જામનગરના પંચ 'બી' પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપી દેવામાં આવ્યા છે.
ગેરકાયદે ખનીજ ખનન અંગે અધિકારીઓએ આપી ચેતવણી
ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ભૂમાફિયાઓ અને ગેરકાયદે ખનીજ ખનન તેમજ પરિવહન કરનારા તત્વો સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ઝુંબેશ અને આકસ્મિક ચેકિંગની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો - Kutch News: અંજાર GIDCમાં પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, ફાયર ફાઇટરો ઘટના સ્થળે