જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં આવેલી રંગમતી પાર્ક શેરી નં. 2 માં એક રહેણાંક મકાનની જર્જરિત છત અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મકાનની છત અચાનક તૂટી પડતાં જ જોરદાર અવાજ સાથે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં મકાનની અંદર હાજર પરિવારના 3 સભ્યો કાટમાળ નીચે દટાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

દંપતી અને પુત્ર કાટમાળ નીચે દટાયા, ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ

આ અકસ્માતમાં મકાનમાં રહેતા ઘરના મોભી પ્રતાપગીરી ગૌસ્વામી, તેમના પત્ની ડોલીબેન પ્રતાપગીરી ગૌસ્વામી અને તેમનો પુત્ર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને કાટમાળ નીચે ફસાયેલા ત્રણેય લોકોને સુરક્ષિત બહાર કાઢીને સફળ રેસ્ક્યુ કર્યું હતું.

Jamnagar News: House Roof Collapse in Rajpark, 3 Injured

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, કોર્પોરેશન દ્વારા તપાસ શરૂ

ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યા બાદ તમામ 3 ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવો અંગે જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાની ફાયર, એસ્ટેટ અને લગત વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જર્જરિત મકાનની સ્થિતિ અંગે કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આસપાસના અન્ય જોખમી મકાનો અંગે પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો -  Jamnagar News: JMC ફૂડ વિભાગની રેડ, પિઝા પાર્લરમાંથી 12.50 કિલો એનાલોગ ચીઝ જપ્ત કરાયું