જામનગર શહેરમાં વિશાલ હોટેલ પાછળ આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નિર્માણ અને સમારકામની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન અચાનક જ સ્થળ પર રહેલા એક રોડ રોલરમાં આગ ભભૂકી ઊઠી હતી. રોડ રોલરમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા અને અગનજ્વાળાઓ નીકળવા લાગતાં કામ કરી રહેલા શ્રમિકો અને આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
બનાવ અંગેની પ્રાથમિક વિગતો મુજબ, રોડ રોલરના એન્જિન અથવા વાયરિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. શોર્ટ સર્કિટ થયા બાદ આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખું રોડ રોલર આગની લપેટમાં આવી ગયું હતું.

