જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધનું મોટું નેટવર્ક ઝડપાયું છે. જામનગર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે કાલાવડ ખાતે આવેલ માતાજીના મંદિર પાસે, કપુરીયાના કાંઠે રહેતા દૂધના ધંધાર્થી કાનજીભાઈ ઉર્ફે કાનો દેપાલભાઈ માલાણીના ઘરે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.
કાલાવડમાં ભેળસેળયુક્ત દૂધનું મોટું નેટવર્ક ઝડપાયું
તપાસ દરમિયાન સ્થળ પરથી આશરે 1,200 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ મળી આવ્યું હતું. દૂધ બનાવવામાં વપરાતી સામગ્રીમાંથી 75 કિલો વનસ્પતિ ઘી અને 75 કિલો દૂધનો પાવડર પણ કબ્જે કરવામાં આવ્યો હતો.આ સમગ્ર મામલે SOG ની ટીમે ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરી દૂધ અને સામગ્રીના સેમ્પલ લેવડાવ્યા હતા. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ સમગ્ર મુદ્દામાલનો પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે યોગ્ય નિકાલ કરીને નાશ કરવામાં આવ્યો છે. SOG ની આ અચાનક કાર્યવાહીથી અસામાજિક ભેળસેળીયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
