ડિજિટલ ઈન્ડિયાના યુગમાં જ્યાં દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન મળી રહ્યું છે, ત્યાં જામનગરના વેપારીઓએ યુપીઆઈ (UPI) પેમેન્ટ સ્વીકાર સામે મોરચો ખોલ્યો છે. ચાર્જની નીતિના વિરોધમાં વેપારીઓએ આજથી યુપીઆઈ પેમેન્ટ બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે.
યુપીઆઈ કોડ પર કાળું કપડું ઓઢાડી અનોખો વિરોધ
જામનગરના વેપારીઓએ પોતાનો વિરોધ દર્શાવવા માટે દુકાનોમાં લાગેલા ક્યુઆર (QR) કોડ કે યુપીઆઈ સ્કેનર પર કાળા કપડાં ઓઢાડી દીધા છે. વેપારીઓનું કહેવું છે કે, સરકાર અને બેંકો દ્વારા લગાવવામાં આવતા આ ભારણથી નાના વેપારીઓની મુશ્કેલીઓ વધી રહી છે.
0.4 ટકા ચાર્જ અને 18 ટકા જીએસટીનો વિરોધ
વેપારીઓના જણાવ્યા અનુસાર, યુપીઆઈ પેમેન્ટ પર 0.4% જેટલો ચાર્જ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે, એટલું જ નહીં પરંતુ આ ચાર્જ પર પણ 18% જીએસટી (GST) લાગુ પડતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ રકમ વેપારીઓના ખાતામાંથી સીધી જ કપાઈ રહી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરાયો છે.
ઓછા નફાના ધંધામાં આર્થિક નુકસાનની ભીતિ
આજના સમયમાં અનેક વેપારીઓ ઓછા નફાના માર્જિન સાથે ધંધો ચલાવી રહ્યા છે. આવા સંજોગોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર જો આ પ્રકારે ચાર્જ કપાય, તો લાંબા ગાળે વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે તેવી પ્રબળ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચિમકી
જો આ મુદ્દે કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો વેપારીઓ આગામી દિવસોમાં પોતાનું આંદોલન વધુ આક્રમક બનાવી શકે છે. ગ્રાહકો અને વેપારીઓ બંને માટે આ યુપીઆઈ ચાર્જનો વિરોધ આગામી સમયમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: Jamnagar: કાલાવડમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતા ડેરી સંચાલકના ઘરે દરોડો, 1,200 લીટર દૂધ જપ્ત