ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર એ માત્ર શિવભક્તો જ નહીં, પરંતુ કૃષ્ણ ભક્તો માટે પણ આસ્થાનું પરમ કેન્દ્ર છે. આ પવિત્ર ભૂમિને 'હરિહર તીર્થ' (હરિ એટલે વિષ્ણુ/કૃષ્ણ અને હર એટલે શિવ) તરીકે ઓળખવામાં આવે છે. આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી નિમિત્તે સોમનાથમાં શિવભક્તિ અને કૃષ્ણભક્તિનો અદભુત અને અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.
પ્રાતઃ આરતીમાં દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
જન્માષ્ટમીના આ પવિત્ર પર્વે ભગવાન ભોલેનાથ અને શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ભક્તો સોમનાથ મંદિર પહોંચી ગયા હતા. ખાસ કરીને સવારની પ્રાતઃ આરતીમાં ભાગ લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. મંગલ વાદ્યો અને આરતીના દિવ્ય દર્શનથી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ભક્તિના નાદથી ગુંજી ઉઠ્યું સોમનાથ મંદિર પરિસર
જન્માષ્ટમીના દિવસે સોમનાથ મંદિરના વિશાળ પરિસરમાં એક અલગ જ આધ્યાત્મિક ઉર્જાનો અહેસાસ થઈ રહ્યો છે. એક તરફ શિવભક્તો દ્વારા થતો 'હર હર મહાદેવ'નો જયઘોષ અને બીજી તરફ કૃષ્ણભક્તો દ્વારા ગવાતો 'જય કનૈયાલાલ કી'નો ગગનભેદી નાદ એકસાથે ગુંજી ઉઠ્યો છે. આ બન્ને જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું છે.

જન્માષ્ટમી નિમિત્તે ભક્તોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ
ગીર સોમનાથ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. શ્રીકૃષ્ણની ગોલોકધામ પ્રસ્થાન ભૂમિ ભાલકા તીર્થ અને સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા છે. આજે આખો દિવસ હરિહર તીર્થમાં દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહેશે અને મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય આરતી સાથે ઉજવણી ચરમસીમાએ પહોંચશે.
આ પણ વાંચો - Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...