રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મેળો શરૂ થયાના બીજા દિવસે અને પવિત્ર સાતમના દિવસે તંત્રએ લોકમેળાની તમામ રાઇડ્સને ચાલુ કરવાની આખરી મંજૂરી આપી દીધી છે. શરૂઆતમાં રાઇડ્સમાં જોવા મળેલી કેટલીક ટેકનિકલ ક્ષતિઓ અને સુરક્ષાના માપદંડોની ચકાસણી બાદ, ક્ષતિઓ પૂર્ણપણે દૂર થતાં જ વહીવટી તંત્ર દ્વારા તમામ રાઇડ્સને લીલી ઝંડી આપવામાં આવી છે. મંજૂરી મળતાં જ મેળો માણવા આવેલા લોકો અને બાળકોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો છે.
સાતમના દિવસે જનમેદની ઉમટી, ચિક્કાર ભીડ
શિતળા સાતમના પાવન પર્વે રાજકોટના લોકમેળામાં માનવ મહેરામણ ઘોડાપૂરની જેમ ઉમટી પડ્યું હતું. મેળાના મેદાનમાં સાંજ પડતાં જ ચિક્કાર પબ્લિક જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે મેળાની મજા માણવા પહોંચ્યા હતા. તમામ રાઇડ્સ શરૂ થઈ જતાં લોકોએ આનંદ અને રોમાંચ સાથે રાઇડ્સનો આનંદ માણ્યો હતો.

સુરક્ષા અને રાઇડ્સ મુદ્દે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાથે ખાસ વાતચીત
લોકમેળામાં રાઇડ્સની સુરક્ષા અને સલામતી અંગે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, બીજા દિવસે તમામ રાઇડ્સને સંપૂર્ણ સુરક્ષા ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવી છે. લોકો કોઈ પણ જાતના ડર વગર આનંદથી અને સુરક્ષિત રીતે મેળો માણી શકે તે માટે પોલીસ તંત્ર સતત કાર્યરત છે.

બાળકો છૂટા પડવાની ઘટનાઓ પર પોલીસની નજર, ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત
મેળામાં અતિશય ભીડ હોવાના કારણે સંખ્યાબંધ નાના બાળકો પોતાના વાલીઓથી છૂટા પડી જવાની ઘટનાઓ સામે આવી હતી. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ કંટ્રોલ રૂમ ઉપર વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડીસીપી બાંગરવાએ ઉમેર્યું હતું કે, મેળાના ખૂણે-ખૂણે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જેના દ્વારા દરેક નાની-મોટી હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. છૂટા પડેલા બાળકોને ઝડપથી તેમના વાલીઓ સાથે મિલન કરાવવા માટે એનાઉન્સમેન્ટ અને વોચ ટાવર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Rajkot News : સૌરાષ્ટ્રના લોકમેળાની મોજ પર બ્રેક?, 34માંથી માત્ર 8 રાઈડ્સને મંજૂરી, SOP ના કડક પાલન સામે સંચાલકો ચિંતામાં!