રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર નાણાંધીરધાર કરીને પીડિતોનું શોષણ કરતા અને ધાકધમકી આપતા વ્યાજખોરો સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે. જેતપુરમાં રહેતા અશોક રાઠોડ નામના વ્યક્તિએ વર્ષ 2018થી 2021 દરમિયાન પોતાના અંગત કામકાજ અર્થે જેતપુરના કુખ્યાત જયેશ ભૂત પાસેથી રૂ. 24 લાખ વ્યાજે લીધા હતા.

વ્યાજખોરે પરિવાર પર પઠાણી ઉઘરાણી

ફરિયાદી અશોકભાઈએ પોતાની મુડી અને રાક્ષસી વ્યાજ પેટે કટકે-કટકે કુલ રૂ. 41 લાખ જેટલી માતબર રકમ પરત ચુકવી દીધી હતી. આમ છતાં, વ્યાજખોર જયેશ ભૂતનું પેટ ન ભરાતાં તેણે વધુ નાણાં મેળવવા માટે અશોક રાઠોડ અને તેના પરિવાર પર પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

પરિવારને મારવાની ધમકી

અશોક રાઠોડ વ્યાજના નાણાં આપવાની ના પાડતા, આરોપી જયેશ ભૂતે તમામ મર્યાદાઓ વટાવી દીધી હતી. વ્યાજખોર જયેશ ભૂત નાણાં વસૂલવા માટે અશોકભાઈની દીકરી અને ભાણી સામે અત્યંત અભદ્ર અને અશ્લીલ ટિપ્પણીઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આખરે કંટાળીને ફરિયાદી અશોક રાઠોડે રાજકોટ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરી આપવીતી જણાવી હતી.

વ્યાજખોર જયેશ ભૂતની ધરપકડ કરી

ઘટનાની ગંભીરતા જોઈ રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે તાત્કાલિક એક્શન મોડમાં આવી જેતપુર પોલીસને દરોડો પાડવા આદેશ આપ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં વ્યાજખોર જયેશ ભૂતની ધરપકડ કરી લીધી હતી. જિલ્લા SP એ પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આરોપી જયેશ ભૂતના ઘરેથી તપાસ દરમિયાન રૂ. 35 લાખની રકમ લખેલા 10 જેટલા સહી કરેલા કોરા ચેક જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે ગુજરાત નાણાંધીરધાર અધિનિયમ અને ધાકધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Navsari : સિંગાડ ગામે મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી: સરપંચ ઉમા પટેલ બરતરફ, 8.32 લાખ રિકવરીનો આદેશ