રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા ખીરસરા ગામ નજીક સિંહ દેખાયા હોવાની ઘટના સામે આવી છે. ખીરસરા અને થાણાગાલોર ગામ વચ્ચે આવેલા સીમ વિસ્તારમાં સિંહ મુક્તપણે લટાર મારતો નજરે પડ્યો હતો. ગીર સોમનાથ અને જૂનાગઢના જંગલોમાંથી અવારનવાર વનરાજ સીમ વિસ્તાર તરફ આવી ચડતા હોય છે, ત્યારે જેતપુર પંથકની સીમમાં સિંહના ઘામાં દેખાતાં જ સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોમાં એકતરફ ભય અને બીજી તરફ કૂતુહલનો માહોલ સર્જાયો છે.
રસ્તા વચ્ચે આરામ કરતા સિંહનો વીડિયો વાયરલ
સીમ વિસ્તારના કાચા રસ્તા પર સિંહ રાજશાહી અંદાજમાં આરામ કરતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. કોઈ વાહનચાલક કે સ્થાનિક રહીશે પોતાના મોબાઈલ કેમેરામાં સિંહનો રસ્તા પર શાંતિથી બેસીને આરામ કરવાનો વીડિયો શૂટ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ વાયુવેગે વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં સિંહ કોઈ પણ જાતના ડર વિના રસ્તાની વચ્ચે આરામ ફરમાવતો સ્પષ્ટ જોઈ શકાય છે.
