જુનાગઢના પ્રસિદ્ધ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવગીરી બાપુના અચાનક ગુમ થવાથી સનસનાટી મચી ગઈ છે. બાપુએ ગુમ થતા પહેલા લખેલી સુસાઇડ નોટ અને તેમની આપત્તિજનક વોટ્સએપ ચેટ વાયરલ થતાં આશ્રમની આંતરિક બાબતોનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સુસાઇડ નોટમાં આશ્રમમાં કથિત રીતે ચાલતી 'કામલીલા' અને પોતાને થતા 'ટોર્ચર'ની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચેટ અન્ય વ્યક્તિ સાથેની હોવાનું સામે આવ્યું છે, જોકે સંદેશ ન્યૂઝ આ ચેટની પુષ્ટિ કરતું નથી, પરંતુ તેનાથી ઘણી ગંભીર બાબતોનો ખુલાસો થયો છે.
ત્રણ કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ અને પોલીસ તપાસ
મહાદેવગીરી બાપુએ સુસાઇડ નોટમાં ત્રણ વ્યક્તિઓ— પરમેશ્વર ભારતી, હિતેશ ઝડફિયા, અને કૃણાલ — દ્વારા તેમને શારીરિક અને માનસિક ટોર્ચર કરવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ ત્રણેય કર્મચારીઓ પર જ આશ્રમમાં ચાલતી ગેરરીતિઓમાં સામેલ હોવાનો પણ આક્ષેપ છે. આ ગંભીર મામલાની તપાસ માટે પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી છે અને ગુમ લઘુમહંતને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઘટના બાદ ધાર્મિક આસ્થા ધરાવતા લોકોમાં ભારે ચર્ચા અને આઘાતની લાગણી ફેલાઈ છે.













