જૂનાગઢના અધિક જિલ્લા કલેકટરે ગિરનારમાં આવેલા પવિત્ર દામોદર કુંડ સહીત જિલ્લાના 37 જળાશયો ખાતે કોઇપણ લોકોને આગામી 3 ઓકટોબર સુધી પ્રવેશ નહીં કરવા અને સ્નાન ન કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાના જાહેરનામાંનો મોટો વિરોધ શરુ થયો છે. આજે ખાસ કરીને દામોદરકુંડમાં પ્રવેશ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના દામોદરકુંડ, જટાશંકર, વિલિંગડન ડેમ, ખોડીયાર ધૂનો સહિતના સમગ્ર જિલ્લાના ૩૭ જેટલા જળાશયો, નદી, તળાવો સહિતના સ્થળે 5ઓગસ્ટથી આગામી 3 ઓકટોબર સુધીમાં પ્રવેશ કરવા અને ન્હાવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેનો જૂનાગઢ શહેર સહીત સમગ્ર જિલ્લામાં વિરોધનો વંટોળ શરુ થયો છે.


પિતૃ તર્પણ કરવા આવતા હજારો ભાવિકો અને સેવકો અવઢવમાં

ખાસ કરીને ગિરનાર ક્ષેત્રમાં આવેલા દામોદરકુંડ ખાતેનો પણ આ જાહેરનામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી અહીં પિતૃ તર્પણ કરવા આવતા હજારો ભાવિકો અને સેવકો અવઢવમાં છે કે, હવે તેઓ પિતૃ તર્પણ માટે ક્યાં જવું. ખરેખર તંત્ર દ્વારા જાહેરનામાંમાં સુધારો કરવો જરૂરી છે, અન્યથા આ મામલે વિરોધ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે આ મામલે રાજપૂત કરણી સેના દ્વારા જૂનાગઢ અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એવી રજૂઆત કરી હતી કે, દામોદરકુંડ પર પ્રવેશબંધીને સાધુ સંતો સર્વે સનાતની ધાર્મિક જનતા હિન્દુ સંગઠનો ખુબ જ વ્યથિત અને દુઃખની લાગણી અનુભવે છે,કારણ કે દામોદરકુંડ અનેક સદીઓથી આદિઅનાદિ કાળથી સનાતની હિન્દુઓની આસ્થાનુ પ્રતીક છે.

દામોદર કુંડમાં સ્નાનનું વિશેષ મહત્વ

સાથે સાથે હાલ જે શ્રાવણ માસ ચાલે અને ત્યારબાદ પુરુસોત્તમ માસમા પણ આ દામોદર કુંડમાં સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. જેથી દામોદરકુંડને જાહેરનામાંમાંથી મુક્ત રાખવા માગ કરવામાં આવી છે. આ અંગે અધિક નિવાસી કલેકટર કે.બી.પટેલે જણાવ્યું કે, પોલીસ વિભાગ સાથે સંકલન કરીને આ પ્રશ્નનો ઝડપથી નિકાલ લાવવામાં આવશે.

  • Follow us on: