વિસાવદર તાલુકામાં સસ્તા અનાજના વિતરણમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગળચર દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. કુલ 6 ટીમો બનાવીને વિસાવદર તાલુકાની વિવિધ રેશનિંગની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ગેરરીતિઓ જણાતા ત્રણ ગામોની રેશનિંગની દુકાનોના લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


શું છે સમગ્ર મામલો?

જિલ્લા પુરવઠા અધિકારીને વિસાવદરમાં સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિ થઇ રહી હોવાની ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને આધારે એક વિશેષ તપાસ ટીમનું ગઠન કરવામાં આવ્યું. આ ટીમો દ્વારા વિસાવદર તાલુકાના જુદા જુદા ગામોમાં આવેલી રેશનિંગની દુકાનો પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, મોટી પીંડાખાઈ, માંગનાથ પીપળી અને કાકોચીયાળા ગામની રેશનિંગની દુકાનોમાં મોટાપાયે અનિયમિતતા મળી આવી હતી. અ દુકાનોમાં નિયત જથ્થા કરતાં ઓછો અનાજનો જથ્થો મળી આવ્યો હતો જે ગંભીર ગેરરીતિ દર્શાવે છે.

ત્રણ દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ

મહત્વનું છે કે, ગ્રાહકોને મળવાપાત્ર અનાજ ક્યાં ગયું તે અંગે દુકાનદારો સંતોષકારક ખુલાસો આપી શક્યા નહોતા. આથી, પુરવઠા વિભાગ દ્વારા કડક પગલાં ભરીને આ ત્રણેય દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગળચરે જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગરીબ પરિવારોને મળવાપાત્ર અનાજનું વિતરણ યોગ્ય રીતે થાય તે સુનોશ્ચિત કરવામાં આવશે. આ ઘટનાને કારણે રેશનિંગ વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે વધુ કડક નિયમો લાગુ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.


  • Follow us on: