જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ગંભીર ઘટના બની છે. જેમાં કેશોદના ખમીદાણા ગામમાં એક દારૂડિયાએ માનસિક અસ્વસ્થ આધેડ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ સમગ્ર ઘટના કેશોદના ખમીદાણા ગામમાં બની હતી. જ્યાં વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળ્યું હતું કે એક દારૂ પીધેલો શખ્સ એક માનસિક રીતે અસ્વસ્થ આધેડને બેફામ માર મારી રહ્યો છે.


માનસિક અસ્વસ્થ આધેડ પર કર્યો હુમલો

દારૂડિયાએ આધેડને લાકડી વડે ફટકાર્યો હતો અને જમીન પર પટકીને ઢોર માર માર્યો હતો. આસપાસના લોકોએ આ દ્રશ્ય જોતા જ તાત્કાલિક દખલગીરી કરી હતી અને આધેડને દારૂડિયાના પંજામાંથી છોડાવ્યો હતો. આ ઘટનાથી ગામના લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ ફેલાયો હતો. ગ્રામજનોનું કહેવું હતું કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં આવા અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. શાંતિપ્રિય ગામમાં દારૂ પીને ધાંધલ-ધમાલ કરવી અને નિર્દોષ લોકો પર હુમલો કરવો એ હવે સામાન્ય બની ગયું છે.

હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ

આ ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરને ઓળખવા અને તેને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. માનસિક અસ્વસ્થ વ્યક્તિ પર કરવામાં આવેલો આ હુમલો અત્યંત નિંદનીય છે. પોલીસે આરોપીને વહેલી તકે પકડીને કડક કાર્યવાહી કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.


  • Follow us on: