જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાંથી ખેડૂતોના ભારે આક્રોશનો કિસ્સો સામે આવ્યો છે. માંગરોળ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને તંત્રની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જમીનમાં પથ્થર કાઢવાના સર્વેની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની જમીન બચાવવા અને અન્યાયી સર્વે અટકાવવા માટે ખેડૂતોએ મામલતદાર કચેરી સામે સૂત્રોચ્ચાર કરીને કચેરી પરિસર ગજવી મૂક્યું હતું.
સર્વેની કામગીરી સામે ખેડૂતોનો સખત વિરોધ
કચેરી બહાર એકઠા થયેલા આક્રોશિત ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં આકરો વલણ અપનાવતા જણાવ્યું હતું કે, જમીનમાં પથ્થર કાઢવા માટે કરવામાં આવતી સર્વેની કામગીરી કોઈપણ સંજોગોમાં મંજૂર કરવામાં આવશે નહીં. ખેડૂતોનો આરોપ છે કે આ સર્વેથી તેમની કિંમતી જમીન અને ખેતીને મોટું નુકસાન પહોંચી શકે તેમ છે. ખેડૂતોના આક્રમક વલણને કારણે માંગરોળ શહેરમાં વાતાવરણ અત્યંત ગરમાઈ ગયું હતું.
