સમગ્ર વિશ્વમાં પોતાની મીઠાશ અને સુગંધ માટે પ્રખ્યાત એવી ગીરની કેસર કેરીના શોખીનો માટે આ વર્ષે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ પંથકમાં બદલાતા હવામાન અને ક્લાઇમેટ ચેન્જના કારણે આંબાના પાકને મોટો ફટકો પડ્યો છે. આ વર્ષે અનિયમિત વરસાદ અને વાતાવરણમાં અસંતુલનને કારણે ખેડૂતોની ચિંતામાં જોરદાર વધારો થયો છે. કુદરતના આ અસંતુલનને લીધે આંબા પર આવનાર મોર અને ફ્લાવરિંગ પ્રક્રિયાને ભારે અસર થઈ છે, જેના કારણે ગીરની કેસર કેરીના કુલ ઉત્પાદન પર પ્રશ્નાર્થ ચિન્હ સર્જાયું છે.
પાણીના તળ ઊંડા જતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી
બાગાયતી નિષ્ણાતો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર, કેસર કેરીના સારા પાક માટે શિયાળાની ઋતુમાં પૂરતી ઠંડી પડવી અત્યંત આવશ્યક છે. પરંતુ આ વખતે પૂરતી ઠંડીના અભાવે આંબા પરનો મોર નિષ્ફળ જવા લાગ્યો છે. આ ઉપરાંત, ભૂગર્ભ પાણીના તળ પણ ઘણા ઊંડા જતા રહેવાથી ખેડૂતોને આંબાના બગીચાઓને પૂરતું પાણી પૂરું પાડવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રતિકૂળ સંજોગો અને કુદરતી મારના કારણે ગીરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને કેરીનો પાક અગાઉની સરખામણીમાં ઘણો ઓછો ઉતરે તેવી આશંકા છે.
