દિવાળીના તહેવારો અને વેકેશનની રજાઓને કારણે ગીરના જંગલોમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે.છેલ્લા એક જ અઠવાડિયામાં 15000થી વધુ પ્રવાસીઓએ સાસણની મુલાકાત લેવાની સંભાવના છે.સિંહ જોવા માટે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે હાલ સાસણમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.આગામી 23 તારીખ સુધીનું ઓનલાઈન સફારી બુકિંગ પહેલેથી જ ફુલ થઈ ચૂક્યું છે.પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. પ્રવાસીઓને છેતરપિંડીથી બચવા માત્ર અધિકૃત વેબસાઈટ પરથી જ બુકિંગ કરાવીને પ્રવાસ કરવાનું આગ્રહપૂર્વક સૂચન કરવામાં આવ્યું છે.
લોકો પરિવાર સાથે દેવળિયા પાર્કની મુલાકાત લઈ રહ્યા છે
મુખ્ય જંગલ સફારીમાં સિંહ દર્શન માટે નસીબ અને યોગ્ય સમયની આવશ્યકતા રહેતી હોય છે.ત્યારે ઘણા પ્રવાસીઓ ગીર દેવળિયા સફારી પાર્ક તરફ પણ વળી રહ્યા છે.કોલકાતાથી પરિવાર સાથે આવેલા પ્રવાસીએ અનુભવ જણાવતા કહ્યું કે અગાઉની ૩ કલાકની જંગલ સફારી દરમિયાન તેઓ ભાગ્યશાળી રહ્યા હતા કે તેમને રસ્તો ઓળંગતી સિંહણોનો નજારો જોવા મળ્યો હતો.આ વખતે તેઓ પરિવાર સાથે દેવળિયા પાર્કની મુલાકાત લઈ રહ્યા છે.જ્યાં વાહનના પાંજરામાં બેસીને ખુલ્લા વાતાવરણમાં વિચરતા સિંહોને નજીકથી જોવાનો એક અલગ જ રોમાંચ અનુભવાઈ રહ્યો છે.
