જૂનાગઢ જિલ્લાની આંગણવાડી મહિલા વર્કરો અને હેલ્પરોની એક અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં લાંબા સમયથી ઉકેલાયા વિનાના પડતર પ્રશ્નો અંગે ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આંગણવાડી બહેનો પર સતત વધી રહેલા કામના બોજ, માનસિક તણાવ અને યોગ્ય વળતર ન મળવાને કારણે બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બેઠકમાં એકસૂરે જિલ્લાની મહિલા કર્મચારીઓએ પોતાની ન્યાયી માંગણીઓ સંતોષવા માટે સરકાર સામે આક્રમક વલણ અપનાવવાનો હુંકાર કર્યો હતો.
હાઈકોર્ટના ચુકાદા મુજબ પગાર વધારાની મુખ્ય માંગ
મહિલા કર્મચારીઓએ માંગણી કરી હતી કે, સરકાર દ્વારા તેમની પાસે અસહ્ય કામગીરી કરાવવામાં આવી રહી છે, જેથી કામનું અતિશય ભારણ તાત્કાલિક ધોરણે ઘટાડવામાં આવે. આ સાથે જ નામદાર હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરીને આંગણવાડી વર્કરોને યોગ્ય વેતન અને પગાર વધારો આપવામાં આવે. આ ઉપરાંત, વહીવટી અધિકારીઓ દ્વારા આપવામાં આવતું માનસિક દબાણ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે તેવી પણ બેઠકમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી હતી.
