જુનાગઢથી વંથલીને જોડતો વાડલા ફાટક પાસે આવેલ પુલના સ્લેબમાં લોખંડના સળિયા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, જે પુલની વાસ્તવિક ખરાબ સ્થિતિ દર્શાવે છે. અમદાવાદમાં સુભાષ બ્રિજમાં તિરાડ પડવાના કારણે તેને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ જૂનાગઢનો આ પુલ જોખમી હોવા છતાં ખુલ્લો છે. આ વિસ્તાર હાલમાં જુડા હેઠળ આવે છે, પરંતુ આ પુલની જાળવણી અને સમારકામની જવાબદારી હાઈવે ઓથોરિટી હેઠળ છે.
હાઈવે ઓથોરિટીને કરાઈ જાણ, છતાં કોઈ કાર્યવાહી નહી
હાઈવે ઓથોરિટીએ નવો બાયપાસ બનાવ્યા બાદ જૂનો બાયપાસ અન્ય વિભાગને સોંપવાની પ્રક્રિયા કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમો મુજબ બાકી છે, જેના કારણે આ જર્જરિત પુલનો જાણે કોઈ ધણી જ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પુલ જર્જરિત હોવાને કારણે જુડા દ્વારા હાઈવે ઓથોરિટીને અનેક વખત પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે, પરંતુ હાઈવે ઓથોરિટી સરકારી વિભાગોના પત્રોનો પણ કોઈ જવાબ આપતી નથી. જ્યાં સુધી હાઈવે ઓથોરિટી આ રોડ સત્તાવાર રીતે સંબંધિત વિભાગને સોંપણી ન કરે ત્યાં સુધી કોઈ અન્ય વિભાગ મરામતનું કામ કરી શકે તેમ નથી.













