પવિત્ર યાત્રાધામ જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગિરનારની સીડીઓ પર સિંહે એક માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના યાત્રિકો અને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને અરેરાટી વ્યાપી ગઈ છે.
સિંહે માસૂમ બાળક પર તરાપ મારી
મળતી માહિતી અનુસાર, એક પરિવાર પોતાના માસૂમ બાળક સાથે ગિરનાર પર્વત ચડવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ગિરનારની સીડીઓ પાસે અચાનક એક ખૂંખાર સિંહ આવી ચડ્યો હતો. પરિવાર કઈ સમજે તે પહેલા જ સિંહે માસૂમ બાળક પર તરાપ મારી દીધી હતી.
મોઢામાં દબોચીને સીધો ગિરનારના ગાઢ જંગલ તરફ ભાગી છૂટ્યો
સિંહના અચાનક થયેલા આ હુમલાથી આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને ચીસાચીસ કરી મૂકી હતી. જોકે, સિંહ બાળકને પોતાના મોઢામાં દબોચીને સીધો ગિરનારના ગાઢ જંગલ તરફ ભાગી છૂટ્યો હતો.
બાળકના માત્ર માનવ અવશેષો જ હાથ લાગ્યા
ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો મોટો કાફલો અને સ્થાનિક સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગ દ્વારા જંગલના ઊંડાણપૂર્વકના વિસ્તારોમાં બાળકને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે, જંગલમાંથી માસૂમ બાળકના માત્ર માનવ અવશેષો જ મળી આવ્યા હતા, જે જોઈને વનકર્મીઓ અને પરિવારના સભ્યોના કાળજા ફાટી ગયા હતા.
વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો
ગિરનારના પગથિયાં પર બનેલી આ ઘટનાએ વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે ગિરનાર પર શ્રદ્ધાળુઓની સતત અવરજવર હોય છે, ત્યારે આ પ્રકારે સિંહના હુમલાની ઘટનાથી યાત્રિકોની સુરક્ષાને લઈને ભયનો માહોલ સર્જાયો છે. હાલમાં વન વિભાગે આ નરભક્ષી બનેલા સિંહને પાંજરે પૂરવા માટેની તજવીજ અને ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં