પોરબંદર જિલ્લાના બાંટવામાં જુગાર અંગે થયેલી રેડ બાદ ઉભરતા વિવાદ પર પોલીસે સત્તાવાર ખુલાસો કર્યો છે. તાજેતરમાં, સ્થાનિક ધારાસભ્ય (MLA) અરવિંદ લાડાણીએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યો હતો. જેના જવાબમાં DySP દિનેશ કોડિયાતરે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી. DySP એ જણાવ્યું કે, ધારાસભ્યને હકીકતમાં ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે અને જુગારની બદીને ડામવા માટે પોલીસ કટિબદ્ધ છે.
DySP દિનેશ કોડિયાતરે આપ્યો ખુલાસો
DySP દિનેશ કોડિયાતરે ખુલાસો કરતા જણાવ્યું કે, "ગઈકાલે બાંટવા પોલીસે જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન, પોલીસે જુગાર રમતા ત્રણ આરોપીઓને સ્થળ પરથી ઝડપી લીધા હતા, જ્યારે અન્ય 12 આરોપીઓ પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા." તેમણે આક્ષેપ કર્યો કે ફરાર થયેલા આ આરોપીઓએ જ પોલીસની છબી ખરડાય તેવા ઈરાદાથી ધારાસભ્યને ગેરમાર્ગે દોર્યા છે અને ખોટી માહિતી આપી છે.
"પોલીસની છબી ખરડાય તે માટે MLA ને દોર્યા ગેરમાર્ગે "
DySP એ ભારપૂર્વક જણાવ્યું કે, બાંટવા પોલીસ સ્થાનિક વિસ્તારમાંથી જુગાર જેવી સામાજિક બદીઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સક્રિય અને કટિબદ્ધ છે. તેમણે લોકોને અપીલ કરી છે કે પોલીસની કામગીરી પર ખોટા આક્ષેપો કરવાને બદલે સાચી માહિતી સાથે સહકાર આપે, જેથી સમાજમાંથી આવી બદીઓ દૂર કરી શકાય. આ ખુલાસા બાદ, હવે આ મામલે રાજકીય અને સામાજિક સ્તરે શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું.