જૂનાગઢ શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આગામી 11 અને 12 ઓગસ્ટ એમ બે દિવસ માટે શહેરના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે. આ પાણીકાપ મુખ્યત્વે વોર્ડ નંબર 1,3 અને 8 ના વિસ્તારોમાં લાગુ પડશે જેથી નાગરિકોને અગવડતા ન પડે તે માટે અગાઉથી જાણ કરવામાં આવી છે.
25 લાખના ખર્ચે નવી DSR લાઈનનું જોડાણ કરાશે
મળતી જાણકારી અનુસાર, શહેરના પાણી વિતરણ તંત્રને વધુ મજબૂત બનાવવા માટે રૂ. 25 લાખના ખર્ચે નવી DSR લાઈનનું જોડાણ કરવામાં આવનાર છે. આ કામગીરી અંતર્ગત, 400 MM ની મુખ્ય પાણીની લાઈન સાથે આ નવી લાઈનનું જોડાણ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન સલામતી અને ટેકનિકલ કારણોસર પાણીનો પુરવઠો બંધ રાખવો અનિવાર્ય છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ આ વિસ્તારોમાં પાણીનું વિતરણ વધુ સરળ અને નિયમિત બનશે, જેનાથી સ્થાનિક રહેવાસીઓને લાંબા ગાળે ફાયદો થશે. પાણીકાપથી અસરગ્રસ્ત થનારા વિસ્તારોમાં સક્કરબાગ, સરદારપરા અને સીતાનાથ ચોક જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ વિસ્તારોમાં બે દિવસ પનીકાપ રહેશે
આ ઉપરાંત ખામધ્રોળ રોડ, જમાલવાડી અને ધારા ગઢ રોડ પરના રહેવાસીઓને પણ બે દિવસ સુધી પાણી વગર ચલાવવું પડશે. આથી, મહાનગરપાલિકા દ્વારા આ તમામ વિસ્તારોના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી રાખે, જેથી આ બે દિવસ દરમિયાન તેમને કોઈ મોટી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય પાણીના દબાણમાં સુધારો કરવો અને પાણીના લીકેજની સમસ્યા ઘટાડવાનો છે.