જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના રેલવે પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખીને જૂનાગઢ લોકસભા વિસ્તારના સાંસદ રાજેશ ચુડાસમાએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ખાસ મુલાકાત કરી હતી.આ મુલાકાત દરમિયાન સાંસદે વેરાવળ-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનને કાયમી ધોરણે નિયમિત કરવા સહિત જૂનાગઢ અને ગીર સોમનાથના રેલવે સુવિધાને લગતા મહત્વના પ્રશ્નો અંગે સઘન ચર્ચા કરી હતી.

જુલાઈમાં ચારેય ફેરા હાઉસફૂલ છતાં સેવા બંધ થતાં રોષ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને પવિત્ર ધામ હરિદ્વારને જોડતી આ ટ્રેન સેવા શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ હતી.ગત જુલાઈ મહિના દરમિયાન આ સ્પેશિયલ ટ્રેનના ચારેય ફેરા સંપૂર્ણપણે હાઉસફૂલ રહ્યા હતા.પ્રવાસીઓ તરફથી અતિ ઉત્સાહજનક પ્રતિસાદ અને ટ્રાફિક મળ્યો હોવા છતાં આ ટ્રેન સેવા બંધ કરી દેવાતાં સ્થાનિકો તેમજ શ્રદ્ધાળુઓમાં ભારે નિરાશા વ્યાપી હતી.આ બાબતને ગંભીરતાથી લઈને સાંસદ રાજેશ ચુડાસમાએ સોમનાથ-હરિદ્વાર સીધી રેલ સેવાને કાયમી ધોરણે શરુ કરવા માંગ તેજ કરી છે.

સોમનાથ-રાજકોટ ડબલ રેલવે ટ્રેક મુદ્દે પણ રજૂઆત

આ મુલાકાત દરમિયાન સાંસદે માત્ર હરિદ્વાર ટ્રેન જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના રેલવે કનેક્ટિવિટીના વિકાસ માટે સોમનાથ-રાજકોટ ડબલ રેલવે ટ્રેકની કામગીરી ઝડપી બનાવવા અંગે પણ રજૂઆત કરી હતી.આ ઉપરાંત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પેન્ડિંગ રેલવે પ્રશ્નો, સ્ટેશનોના નવીનીકરણ અને પ્રવાસી સુવિધાઓ વધારવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.સાંસદ રાજેશ ચુડાસમાના જણાવ્યા અનુસાર, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તમામ રજૂઆતોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળીને સત્વરે હકારાત્મક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: શીલજની આનંદનિકેતન શાળામાં નાસ્તામાંથી નીકળ્યો કાચ