જૂનાગઢ તાલુકા સેવા સદન અને તેની આસપાસના વિસ્તરણમાં નાગરિકોને પડી રહેલી અગવડ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. સરકારી કામકાજ અર્થે આવતા સામાન્ય જનતાને એજન્ટો દ્વારા થતી પરેશાની અને અડચણોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ બિનઅધિકૃત તત્વો સામે લાલ આંખ કરી છે.
200 મીટર વિસ્તારમાં બેસવા પર અને લારીઓ પર પ્રતિબંધ
સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા કડક જાહેરનામા અનુસાર, જૂનાગઢ તાલુકા સેવા સદનથી આસપાસના 200 મીટરના ત્રિજ્યા વાળા વિસ્તારમાં કોઈપણ બિનઅધિકૃત એજન્ટોને બેસવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત, સેવા સદન પરિસરમાં કે તેની આસપાસ દબાણ કરતા લારી અને છૂટક વેપારીઓ ઉપર પણ સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેથી સરકારી કચેરીમાં આવતા અરજદારો સરળતાથી પોતાના કામ કરાવી શકે.
