જૂનાગઢ પંથકમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢથી ચલાલા રૂટ પર દોડતી મીટર ગેજ લોકલ ટ્રેનની અડફેટે આવી જતાં એક યુવાન સિંહણનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. વન્યજીવોના આ પ્રકારે ટ્રેનની અડફેટે આવવાની ઘટનાથી વન પ્રેમીઓમાં ભારે શોક વ્યાપી ગયો છે.
વિસાવદરના ખંભાળિયા અને જૂની ચાવંડ નજીક બની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, આ દુર્ઘટના બપોરે 12:30 વાગ્યાની આસપાસ વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ નજીક 44 29/6 નંબરના પોલ પાસે ઓજત નદી અને જૂની ચાવંડ વિસ્તારની વચ્ચે બની હતી. સિંહણ અચાનક જ રેલવે ટ્રેક પર આવી જતા મીટર ગેજ ટ્રેનની ચપેટમાં આવી ગઈ હતી અને ગંભીર ઈજાઓને કારણે તેનું સ્થળ પર જ મોત થયું હતું.


