10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ છે, જે અંતર્ગત એશિયાટિક સિંહોના એકમાત્ર રહેઠાણ એવા સાસણ ગીર ખાતે 11 ઓગસ્ટના રોજ સિંહ સંવર્ધન પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આફ્રિકા સહિતના દેશોના તજજ્ઞો વિચાર વિમર્શ કરશે, સાથે WWF, આઈઓસી, ટાઈગર રિઝર્વના ડાયરેક્ટર, વિદેશી NGO હાજર રહેશે. સાસણ ડીસીએફ ડો.મોહન રામે જણાવ્યું કે, ગુજરાતના સાસણ-ગીર ખાતે સિંહ સંરક્ષણ વિષય અંગે આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાશે, કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, ઈન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે.
બે સત્રમાં ભારત અને આફ્રિકાના સિંહ સંરક્ષણ અંગે ચર્ચાઓ કરવામાં આવશે
આ પૃથ્વી પર સિંહોની ગણના એવી વિશિષ્ટ પ્રજાતિમાં થાય છે જેમની પ્રતિષ્ઠા સાહસ, શક્તિ અને પડકારો સામે બાથ ઝીલવાની છે. એક સમયે, આફ્રિકા, એશિયા અને યુરોપમાં સિંહોનો વ્યાપકપણે વસવાટ હતો પણ હવે ઘણા પરિબળોના કારણે તેમની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી રહી છે. તેની પાછળ તેમના હન્ટીંગની પ્રવૃતિઓ, તેમના કુદરતી રહેઠાણ વિસ્તારમાં ઘટાડો અને ગેરકાયદે રીતે શિકાર સહિતના પરિબળો જવાબદાર છે. આજે આફ્રિકન સિંહ મુખ્યત્વે સબ-સહારન આફ્રિકામાં જોવા મળે છે જ્યારે એશિયાઇ સિંહો માત્ર ભારતના ગુજરાત રાજ્યમાં અસ્તિત્વ ધરાવે છે. વિશ્વ સિંહ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે જુનાગઢના સાસણ-ગીરમાં સિંહોના સંરક્ષણ અંગે એક દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉદ્ઘાટન સત્રમાં સ્વાગત પ્રવચન, સિંહ સંરક્ષણ વિષય અંગેના બે પ્રકાશનોનું વિમોચન અને "ધ કન્ઝર્વેશન સક્સેસ સ્ટોરી ઓફ એશિયાટિક લાયન્સ" નામની દસ્તાવેજી ફિલ્મનું સ્ક્રિનીંગ કરવામાં આવશે. પ્રથમ ટેકનિકલ સત્રમાં ભારત અને આફ્રિકામાં સિંહ સંરક્ષણ અંગે ચર્ચા કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ પરિસંવાદ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે
જેમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, સિંહોની વસ્તી, પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ, સંશોધન, વર્તમાન પડકારો અને નીતિ વિષયક બાબતો અંગે પ્રસ્તુતિ કરવામાં આવશે. બીજા સત્રમાં લેન્ડસ્કેપ-સ્તરીય સિંહ સંરક્ષણના પાસાઓ અને સમુદાયની ભૂમિકાઓ પુનઃસ્થાપિત કરવા, વન્યજીવો માટેની ચિકિત્સા પદ્ધતિઓ, રોગને લગતી બાબતો, ગેરકાયદે વન્યજીવોના વેપાર પર રોક અને સંરક્ષણમાં સમુદાયોની ભાગીદારી અંગે નિષ્ણાતો અને સહભાગીઓ દ્વારા ચર્ચા કરશે. સિંહોના સંરક્ષણને મજબૂત બનાવવા તેમજ આ વિષયને લગતા વિચારો અને સાફલ્યગાથાઓ રજૂ કરવામાં "આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ પરિસંવાદ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે. સિંહ વિસ્તાર ધરાવતા દેશોના બહુમૂલ્ય જ્ઞાનને એકસાથે લાવીને, આ કાર્યક્રમનો ઉદ્દેશ સિંહ સંરક્ષણને વધુ અસરકારક, વિજ્ઞાન આધારિત, વ્યાપક અને સમુદાય સમર્થિત બનાવીશું.