હાલમાં ગુજરાતમાં રાજકીય ડ્રામા વિવાદ વધારી રહ્યો છે.નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનો ખૂબ વાયરલ થઈ રહ્યાં છે.તેવામાં ભાજપના વધુ એક ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે.માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ એક યુવકને બેફામપણે ગાળો ભાંડી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમણે યુવાન પર હુમલો કરી ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ધારાસભ્ય સામે પોલીસમાં લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે.
અરવિંદ લાડાણી વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ
જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો બેફામ વાણીવિલાસ કરતો વીડિયો વાયરલ થયા બાદ હવે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.મનીષ ઝાલાવાડિયા નામના વ્યક્તિએ ધારાસભ્ય અરવિંદ લાડાણી વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે.ફરિયાદમાં એવો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે કે ધારાસભ્ય દ્વારા તેમને માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.તેમજ ગામ છોડી દેવા અને ધંધો બંધ કરી દેવા માટે પણ દબાણ કરવામાં આવ્યું છે.વંથલી પોલીસે મનીષ ઝાલાવાડિયાની આ લેખિત અરજી સ્વીકારીને આગળની તપાસ હાથ ધરી છે.ત્યારે આ મામલે ફરિયાદીને યોગ્ય ન્યાય મળે અને સામાન્ય નાગરિકોને થતી આવી હેરાનગતિ કાયમી ધોરણે બંધ થાય તેવી પ્રબળ માંગ ઉઠી છે.
પીડિત યુવાન વંથલીથી માણાવદર તરફ જઈ રહ્યો હતો
જૂનાગઢ પંથકમાં માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વીડિયો સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.આ ઘટના ત્યારે બની હતી જ્યારે પીડિત યુવાન વંથલીથી માણાવદર તરફ જઈ રહ્યો હતો.તે દરમિયાન રસ્તામાં ધારાસભ્ય અરવિંદ લાડાણી સાથે તેનો ભેટો થયો હતો.મુલાકાત દરમિયાન બંને વચ્ચેનું વાતાવરણ અત્યંત ગરમાયું હતું.વાયરલ વીડિયોમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અતિશય ગુસ્સામાં દેખાય છે.તેમણે યુવાન ઉપર હુમલો કરી દીધો હોવાનું પણ કહેવાય છે.હુમલો કરવાની સાથે ધારાસભ્ય દ્વારા જાહેરમાં અત્યંત બેફામ ગાળો ભાંડવામાં આવી હતી.
યુવાન વિરુદ્ધ અપમાનજનક ભાષા વાપરવામાં આવી
વીડિયોમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા યુવાન વિરુદ્ધ અપમાનજનક ભાષા વાપરવામાં આવી હતી.ધારાસભ્યએ યુવાનને ઉદ્દેશીને ગોધરીયા શબ્દનો પ્રયોગ કર્યો હતો.અપશબ્દો બોલવાની સાથે ધારાસભ્ય ખૂબ રોષે ભરાયા હતા.તેમણે યુવાનને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી દીધી હતી. ધારાસભ્યએ યુવાનને માણાવદર છોડી દેવા ધમકી આપી હતી.ધારાસભ્યનું આવું ઉગ્ર રૂપ જોઈને પીડિત યુવાન ભારે દહેશતમાં આવી ગયો હતો.જાનથી મારી નાખવાની ધમકી મળતાં પીડિત યુવાન ભારે ચિંતામાં મુકાયો છે.માણાવદર છોડી જવાની ધમકી અપાતા તેણે ઘર છોડવાની તૈયારી કરી છે.યુવાને પોતાના પરિવાર સાથે ઘરવખરી અને તમામ સામાનનું પેકિંગ કરી લીધું છે.માણાવદરમાં બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક સ્તરે અનેક તર્કવિતર્કો વહેતા થયા છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: સરદારનગરમાં દારુ પાર્ટી મામલે ધારાસભ્ય પાયલ કુકરાણીનો ખુલાસો, હું ધાર્મિક કાર્યક્રમમાં ગઈ હતી