3 ઓગસ્ટ, 1994ના ભારતમાં પ્રથમ મૃતદાતાનાં હ્દયના સફળ પ્રત્યારોપણની યાદમાં દર વર્ષે 3 ઓગસ્ટના ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે કચ્છમાં કાર્યરત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ હાલે સમગ્ર રાજ્યમાં અંગદાનને લઇને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ તકે ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંગદાનમાં 2019થી ઉત્તરોત્તર વધારો થયો છે. અત્યાર સુધીમાં 666 લોકોએ ઓર્ગન ડોનેટ કર્યું છે. જેના કારણે 2017 લોકોને તેના ઓર્ગન મળતાં જીવતદાન મળ્યું છે. છેલ્લા સાત મહિનામાં જ 84 લોકોએ ઓર્ગનનું ડોનેશન કર્યું છે, તે જોતાં લોકોમાં હવે અંગદાન પ્રત્યે જાગૃતિ આવી રહી હોવાનું ઉજાગર કરે છે.
રાજ્યમાં 12 જેટલી હોસ્પિટલો ઓર્ગન ડોનેટ કરતી થઈ
ઓર્ગન ડોનેશન કરનાર હોસ્પિટલની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. ચાર વર્ષ પહેલાં ભુજ, આદિપુરમાં ઓર્ગન ડોનેશન થતું નહોતું, પરંતુ કચ્છમાં હાલ ત્રણ હોસ્પિટલ ઓર્ગન ડોનેટ કરી શકે તેમ છે. જ્યારે ગુજરાતમાં પાલનપુર જેવું સેન્ટર કે જે ઓર્ગન ડોનેશન કરતું ન હતું, આણંદ સેન્ટર, જૂનાગઢ કે જામનગર સેન્ટરમાંથી પણ હવે ઓર્ગન ડોનેશન થવાની શરૂઆત થઇ ચૂકી છે, પરિણામે રાજ્યમાં 12 જેટલી હોસ્પિટલો ઓર્ગન ડોનેટ કરતી થઈ ગઈ છે. સુરતની મિશન હોસ્પિટલમાં પણ ગયા વર્ષથી શરૂઆત થઇ છે. પી.પી. સવાણી હોસ્પિટમાં તો છેલ્લા અઢી વર્ષમાં 10થી વધુ ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અંગદાતાઓની સંખ્યા વધી રહી છે તેમ હવે હોસ્પિટલોની પણ સંખ્યા વધી રહી છે. અંતમાં તેમણે અંગદાન માટેના મુખ્ય ત્રણ પીલર છે, જેમાં ઓર્ગન મળે તે હોસ્પિટલ, ટ્રાન્સપ્લાન્ટ થાય તે હોસ્પિટલ અને ત્રીજો પીલર સમાજ છે. જ્યાં સુધી સમાજમાં કોઇ વિષયની જાગૃતિ ન આવે ત્યાં સુધી સફળતા ન મળે. અત્યારે આપણને ફેમિલી પ્લાનિંગમાં જે પ્રકારની સફળતા મળી, પોલિયોની રસીમાં સફળતા મળી તે જ પ્રકારની સફળતા અંગદાન જાગૃતિથી મળી શકે તેમ છે.
સુરતનું ૪ દિવસનું અને છ દિવસનું બાળક યંગેસ્ટ ડોનર
ભારતમાં હાલ બે બાળકો યંગેસ્ટ ડોનર છે. દોઢ વર્ષ પહેલા સુરતમાં ૪ દિવસનાં બાળકનું ઓર્ગન ડોનેશન થયું હતું, છ દિવસના બાળકનું પણ ઓર્ગન ડોનેટ થયું છે. આ બે દેશભરનાં સૌથી યંગેસ્ટ ડોનર છે, જેના માધ્યમથી ચાર બાળકોને લાભ થયો છે. બે બાળકોને કિડની અને બે બાળકોને લીવર મળ્યા છે.
શ્રાાવણનાં છેલ્લા સોમવારે સોમનાથમાં જાગૃતિ કાર્યક્રમ
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાળા કોલેજોમાં જઇને વિદ્યાર્થીઓને અંગદાન વિશે માહિતી આપવામાં આવે છે. ગામડાઓમાં જઇને તેમજ ધાર્મિક સ્થાનો ઉપર જઇને પણ આ બાબતે જાગૃતિના કાર્યો યોજવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ચૈત્ર મહિનામાં ચોટીલા ડુંગરની પરિક્રમા સમયે જાગૃતિ માટે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. હાલે શ્રાાવણ માસને ધ્યાને લઇને છેલ્લા સોમવારે એટલે કે તા. ૧૮ ઓગસ્ટના પ્રથમ જ્યોતિર્િંલગ સોમનાથ ખાતે જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવશે. અંબાજીમાં ભાદરવા મહિનામાં માતાજીની પદયાત્રા સમયે પણ એક લાખથી વધુ લોકો સુધી આ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે. બંને જગ્યાએ એક - એક લાખથી વધુ પત્રિકાઓનું વિતરણ કરવાની ટ્રસ્ટની નેમ છે.
કચ્છમાં ૫૦૦થી વધુ દર્દીઓને અઠવાડિયામાં બે વાર ડાયાલિસિસની જરૂર
દેશભરમાં લાખો લોકો અંગદાન માટે લાઇનમાં ઊભા છે, કોઇપણ વ્યક્તિ ડાયાલિસિસનો દર્દી હોય તેને દર અઠવાડિયે બે વાર કમસેકમ ચાર-ચાર કલાકનો સમય વર્િંકગ અવર્સમાં જાય છે. આ દર્દી તેના પરિવાર માટે કામ કરી શક્તો નથી. બાળકો ભણી શક્તા નથી, પરિવારની આર્થિક વ્યવસ્થા ઠપ થઇ જાય છે. પરિણીત હોય અને પિતાની કમાણી ઉપર નિર્ભર હોય તો તેની સ્થિતિ વધુ કફોડી બને છે. કારણ કે, સરકાર ડાયાલિસિસના નાણાં આપે છે, પરંતુ ફેર ડાયલિસિસ માટે એક વખતનો ખર્ચ રૂ. ૨૬૦૦ થાય અને અઠવાડિયામાં રૂ. ૫ હજારનો ખર્ચ થાય છે, આટલા નાણાં એકત્ર કરવામાં મુશ્કેલી પડે છે. કચ્છમાં હાલે ૫૦૦ દર્દીઓ છે કે જેમને ડાયાલિસિસની જરૂર છે, તેમાં ભાઇઓ, બહેનો અને બાળકોનો સમાવેશ થાય છે. ગુજરાતભરમાં આંકડો અંદાજિત ૨૦ હજાર જેટલો છે.
યોગ્ય વ્યક્તિઓનું ક્રમ પ્રમાણે કરાતું ટ્રાન્સપ્લાન્ટ
કિડની ટ્રાન્સન્ફર કે લીવર ટ્રાન્સફર માટે આયુષ્માન યોજનામાં મફતમાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એટલે કિડની, લીવરનાં દર્દીઓ માટે ઘરના લોકો ટ્રાન્સફર માટે તૈયાર થાય અને ઘરમાંથી કોઇ ડોનર મળે તો ઝડપથી બે મહિનાની સામાન્ય પ્રક્રિયામાં આખો પરિવાર સુખી થઇ જાય છે. અંગદાન બે રીતે થાય છે. એક લિવિંગ ડોનેશન ઉપર થાય, જેમાં પરિવારમાં કિડનીનો દર્દી હોય તેને પરિવારનાં જ કોઇ સદસ્ય કિડની આપવા માટે તૈયાર થાય તો તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ટેસ્ટિંગ બાદ મેચિંગ થાય અથવા ન થાય તો એક બીજાને અસરપરસ કિડની આપી શકે છે. કિડની હોસ્પિટલમાં મફતના ભાવે કિડની ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે છે. જ્યારે બીજી પ્રક્રિયામાં દર્દી હોસ્પિટલમાં હોય, વેન્ટિલેટર ઉપર હોય તેમના તમામ પેરામિટર્સ એક્સ્પર્ટ ડોક્ટર ચેક કરતાં હોય છે, બ્રેન ડેડ કંડિશન બરાબર હોય તો તેના ઓર્ગન લેવા માટે ટ્રાન્સપ્લાન્ટની ટીમ આવે અને ઓર્ગન લઇને યોગ્ય વ્યક્તિને ક્રમ પ્રમાણે ટ્રાન્સપ્લાન્ટ કરતાં હોય છે.













