સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં આજે સવારના સમયે એક ભારે હંગામો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખેડબ્રહ્મા-કાંઠીયા અંબાજી હાઇવે પર આવેલા બાવડ-કાંઠીયા ગામ નજીક સવારે 10 વાગ્યાની આસપાસ એક યુવતી અચાનક જ 200 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગઈ હતી. યુવતીને ટાવર પર ચઢેલી જોઈને સ્થાનિકો અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં.

અંબાજી હાઇવે પર ચક્કાજામ 

ટાવર પર ચઢેલી યુવતીને જોવા માટે રસ્તા પર સેંકડો લોકો એકઠા થઈ જતાં ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જોતજોતામાં સમગ્ર હાઇવે પર ચક્કાજામ થઈ ગયો હતો અને ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ હતી. આ હાઈવોલ્ટેજ ડ્રામા સતત 3 કલાક સુધી ચાલ્યો હતો. યુવતી ટાવરની ટોચ પર ઊભી રહી હોવાથી કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક ગ્રામજનોના જીવ સતત 3 કલાક સુધી અધ્ધર થઈ ગયા હતા અને વાતાવરણ ભારે તંગ બની ગયું હતું. 

https://www.instagram.com/reel/DapXK-IiFKe/?utm_source=ig_web_button_share_sheet  

ખેરોજ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

આ ચકચારી ઘટનાની જાણ થતાં જ ખેરોજ પોલીસ સ્ટેશનનો કાફલો અને ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે યુવતીને કોઈ પણ પ્રકારની ઈજા વગર સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. બીજી તરફ, પોલીસ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા મેગાફોનની મદદથી યુવતીને સમજાવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે, આ યુવતી કયા વિવાદ અથવા કયા કારણોસર આટલા ઊંચા ટાવર પર ચઢી ગઈ છે તેનું અસલી કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે. 


આ પણ વાંચો :   Sandesh Indepth : સુરતમાં સંકોચાતી ખાડી બની 'ડેથ ટ્રેપ', 1 હજાર કરોડની જાહેરાતો માત્ર કાગળ પર, 9.23 લાખ નાગરિકો આજે પણ જોખમમાં