ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મંગળપુર ગામમાં ચોમાસાની કરુણ અને વિકાસની વાસ્તવિકતા ઉજાગર કરનારો એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. ગામના બીડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે કેડસમા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે આજે એક સ્મશાનયાત્રાને પણ આ પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું હતું. મૃતકના સ્વજનો અને ડાઘુઓ કેડસમા પાણીમાં ચાલીને નનામીને સ્મશાન સુધી લઈ ગયા હતા. આ ઘટના તંત્રની બેદરકારી અને ગામની દયનીય સ્થિતિ દર્શાવે છે.


સ્મશાનયાત્રા કેડસમા પાણીમાંથી પસાર થવા મજબૂર

મહુધાના મંગળપુરમાં બે દિવસના ભારે વરસાદ બાદ પણ પાણીનો નિકાલ થયો નથી. ગામના નીચાણવાળા બીડ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે. પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જીવતા જીવ તો તેમને સુખ મળતું નથી પરંતુ મૃત્યુ બાદ પણ સુખેથી અંતિમ સંસ્કાર નસીબમાં નથી. તેવી કડવી વાસ્તવિકતા અહીં જોવા મળી હતી. 

યોગ્ય વ્યવસ્થાના અભાવે હાલાકી ભોગવવાનો વારો 

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મંગળપુરનો આ બીડ વિસ્તાર આઝાદીના આટલા વર્ષો પછી પણ વિકાસથી વંચિત રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કે ત્યાંના નેતાઓ દ્વારા આ વિસ્તારની ક્યારેય દરકાર લેવામાં આવી નથી. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે દર ચોમાસે આવી જ પરિસ્થિતિ સર્જાતી હોય છે. જેના કારણે અહીંના રહીશોનું જીવન અઘરું બન્યું છે. 

  • Follow us on: