જામનગર નજીક આવેલા ચેલા ગામ પાસેની એક ઇન્ડસ્ટ્રીઝમાંથી અચાનક ધડાકાના સમાચાર સામે આવ્યા છે. ચેલા ગામમાં આવેલી એક ફેક્ટરીની ભઠ્ઠીમાં અચાનક ભીષણ બ્લાસ્ટ થયો હતો. આ ગોઝારા અકસ્માતને કારણે ફેક્ટરી પરિસરમાં કામ કરી રહેલા મજૂરોમાં ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો.

ભઠ્ઠીના વિસ્ફોટમાં 3 મજૂરો ગંભીર રીતે દાઝ્યા

ઇન્ડસ્ટ્રીઝની ભઠ્ઠીમાં થયેલા વિસ્ફોટની લપેટમાં આવતા ત્યાં કામ કરી રહેલા 3 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા. ધડાકો એટલો તીવ્ર હતો કે, આસપાસનો વિસ્તાર ઘડીભર માટે ધુમાડાથી ઘેરાઈ ગયો હતો. બનાવ બનતા જ અન્ય કર્મચારીઓ અને સ્થાનિકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.

ઈજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડાયા

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય મજૂરોને તાત્કાલિક વધુ સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જીજી હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર, સારવાર હેઠળ રહેલા 3 મજૂરોમાંથી 1 મજૂરની હાલત અત્યંત ગંભીર દર્શાવવામાં આવી રહી છે.

Jamnagar News: Furnace Blast Near Chela Village, 3 Workers Injured

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે પોલીસે ઘટના સ્થળને સીલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઇન્ડસ્ટ્રીઝમાં ભઠ્ઠીમાં બ્લાસ્ટ કયા કારણોસર થયો તે જાણવા માટે સંબંધિત વિભાગો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો - Jamnagar: નાગનાથ ગેટ પાસે 2000 ફૂટ જેટલું દબાણ જમીનદોસ્ત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન