ગુજરાતમાં 'ચાંદીપુરા વાયરસ' હવે ઝડપથી પગપેસારો કરી રહ્યો છે, જેના કારણે સાબરકાંઠા અને ખેડા જિલ્લામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સાબરકાંઠા જિલ્લામાં આ જીવલેણ વાયરસના લક્ષણો વચ્ચે વધુ એક માસૂમ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કોટડા વિસ્તારની આ 2 વર્ષની બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં તેનું નિધન થયું છે. આ સાથે જ સાબરકાંઠા અને સરહદી વિસ્તારમાં ચાંદીપુરાના લક્ષણોથી કુલ મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે, જેમાં 4 બાળકોના મોત હિંમતનગરમાં અને 1 બાળકનું પોશીનામાં થયું છે. હાલ ખેડબ્રહ્મા તાલુકાની એક બાળકીની હાલત પણ અત્યંત નાજુક છે.
ખેડા જિલ્લામાં ચાંદીપુરાનો ભરડો
બીજી તરફ, ખેડા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો ભરડો જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ બાદ વધુ એક શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. કઠલાલના મિર્ઝાપુરના શીરાની મુવાડી ખાતે એક નવો શંકાસ્પદ કેસ મળી આવતા બાળકને વધુ સારવાર અર્થે તાત્કાલિક ગાંધીનગર ખસેડવામાં આવ્યું છે. આ અગાઉ કપડવંજના સાલોડ ગામે પણ એક શંકાસ્પદ કેસ નોંધાયો હતો.
