15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે નડિયાદ મહાનગરપાલિકા ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની આ તિરંગા યાત્રા નડિયાદ મહાનગરપાલિકા કચેરીથી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ સ્થળ, દેસાઈ વગો થઈ ઈપ્કોવાલા હોલ સુધી યોજાઈ હતી. જેમાં, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કલેકટર અમિત પ્રકાશ યાદવ અને મનપા કમિશનર જી.એચ.સોલંકી સહિતના અન્ય મહાનુભાવો રાષ્ટ્રધ્વજ લઈને નીકળ્યા હતા.
ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ લોકોનું ધ્યાન આકર્ષ્યું હતું
સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિવિધ સમુદાયો અને વય જૂથના નાગરિકોએ તિરંગા યાત્રામાં જોડાઈ વંદે માતરમનો નારો ગુંજાવ્યો હતો. નગરજનોએ પણ ઠેર ઠેર પુષ્પવર્ષા કરી તિરંગા યાત્રાના વધામણા કર્યા હતા. રંગબેરંગી વેશભૂષા, દેશભક્તિના બેનરો, દેશ પ્રેમના ગીતો અને પોલીસ બેન્ડની ધૂન થી રાષ્ટ્રભક્તિનું અનેરુ મોજું નડિયાદ શહેરમાં ફરી વળ્યું હતું. આતંકવાદીઓ સામેની લડાઈમાં મશહૂર બનેલા ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ લોકોનું ધ્યાન આકર્ષ્યું હતું.
નડિયાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસોમાં મદદરૂપ થવા કલેક્ટરે અપીલ કરી હતી
તિરંગા યાત્રા અંતર્ગત દેસાઈવગો સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ સ્થળના દર્શન કરી સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર સાહેબની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી રાષ્ટ્રનિર્માણના તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ અવસરે કલેકટર અમિત પ્રકાશ યાદવે તિરંગા યાત્રામાં જોડાયેલા સૌનું અભિવાદન કર્યું હતું. તેમણે જણાવ્યું કે નડિયાદ શહેર મહાનગરપાલિકા બન્યા પછી આ પ્રથમ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનોએ જોડાઈને રાષ્ટ્ર ગૌરવ પ્રત્યેના સમર્પણ ભાવને ઉજાગર કર્યો છે. ત્યારે તમામ જિલ્લા વાસીઓને સાથે મળીને નડિયાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસોમાં મદદરૂપ થવા કલેક્ટરે અપીલ કરી હતી.
દેશભક્તિના કાર્યો કરવા ધારાસભ્યએ ઉપસ્થિત સૌ નગરજનોને અપીલ કરી હતી
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, હરઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલ તિરંગા યાત્રામાં નગરજનોએ સ્વયંભૂ રીતે જોડાઈને તિરંગા યાત્રાને સફળ બનાવી છે. આ પ્રસંગે તેમણે સ્વતંત્રતાની લડાઈમાં યોગદાન આપનાર શહીદોને યાદ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે તિરંગા યાત્રાના આયોજન દ્વારા આજની નવી યુવા પેઢીને શહીદોના બલિદાનથી વાકેફ કરવાની તક મળે છે. ડો. બાબાસાહેબ આંબેડકરના અથાગ પ્રયાસો થી પ્રાપ્ત થયેલ બંધારણ થકી ભારત દેશને મળેલ સુંદર લોકશાહી શાસન પ્રણાલીનું ગૌરવ લેવા અને દેશભક્તિના કાર્યો કરવા ધારાસભ્યએ ઉપસ્થિત સૌ નગરજનોને અપીલ કરી હતી.
અંતે સૌએ રાષ્ટ્રગાન ગાઈ તિરંગા યાત્રાનું સમાપન કર્યું હતું
તિરંગા યાત્રામાં જોડાયેલ તમામ લોકોએ ટુ વ્હીલર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, અગ્રણી નયનાબેન પટેલ, આઇપીએસ અતુલ બંસલ, પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા, મનપા ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈ, રૂદ્રેશ હુદડ, જિલ્લાના અન્ય અગ્રણીઓ, મહાનુભવો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, એન.સી.સી. કેડેટ્સ,દિવ્યાંગો, યોગ સ્પર્ધકો, રમતવીરો, યુવાનો, માતાઓ, વડીલો સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા.