ખેડા જિલ્લાના રાણીયા ગામમાં ગેરકાયદે રેતી ખનન અને ઓવરલોડ વાહનોના ત્રાસ સામે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે. ગામમાંથી પસાર થતી રેતી ભરેલી 1 ઓવરલોડ ટ્રકને ગ્રામજનોએ અટકાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જોકે, વિરોધને પગલે પકડાઈ જવાની બીકે ઓવરલોડ ટ્રક ચાલકે ભરરસ્તા પર જ રેતી ખાલી કરી દીધી હતી, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો અને મામલો ગરમાયો હતો.
ગૌચર જમીન બચાવવા સરપંચ અને ગ્રામજનો મેદાનમાં
ગામની કિંમતી ગૌચર જમીન બચાવવા માટે હવે ખુદ સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો મેદાનમાં ઉતર્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બેફામ રેતી ખનન અને ઓવરલોડ ડમ્પરોની અવરજવરથી ગૌચર જમીન અને ગામના રસ્તાઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ એકસૂત્રે ગેરકાયદે ખનન કરનારા તત્વો સામે તાત્કાલિક અસરથી કડકમાં કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે.
