ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીએ ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી જતાં ખેડા જિલ્લામાં તે ઓવરફ્લો થઈ છે. તેમજ  નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને રસીકપુરા ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. સાબરમતી નદીના આ રૌદ્ર સ્વરૂપના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.


ખેતરો અને રહેણાંક વિસ્તારો થયા પાણીમાં ગરકાવ 

જેમાં જોઈ શકાય છે કે નદી ભયાનક રીતે વહી રહી છે અને તેના કિનારા પરના ખેતરો અને રહેણાંક વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસીકપુરા ગામમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકો અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. તાત્કાલિક ધોરણે ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને સાવચેતી રાખવા માટે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે.

સાબરમતી નદી ઓવરફ્લો થયાના આકાશી દ્રશ્યો આવ્યા સામે

સાબરમતી નદીમાં પાણીની આવક સતત વધતી હોવાથી આસપાસના અન્ય ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સરકારે રાહત અને બચાવ કાર્ય માટે ટીમોને તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર ચોમાસામાં નદી કિનારે રહેતા લોકોની સુરક્ષા અને માળખાકીય સુવિધાઓ અંગે ચિંતા ઊભી કરી છે. હાલ પરિસ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.


  • Follow us on: