કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મીઠા પસવારીયા ગામમાંથી એક મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. ગામમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના રાજ્ય મંત્રી ત્રિકમ છાંગાને સ્થાનિક રહીશોના ભારે આક્રોશ અને વિરોધનો સામનો કરવો પડ્યો છે. વિસ્તારના પડતર પ્રશ્નો અને વિકાસના કામો મુદ્દે એક જાગૃત નાગરિકે મંત્રીને જાહેરમાં ભીંસમાં લેતા કાર્યક્રમમાં સોપો પડી ગયો હતો.


જાહેરમાં મંત્રી પર સવાલોનો વરસાદ

ઘટનાની મળતી માહિતી અનુસાર, મંત્રી ત્રિકમ છાંગા જ્યારે કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત હતા, ત્યારે સ્થાનિક આગેવાન શામજીભાઈ વીરાએ ઊભા થઈને વિસ્તારના પ્રશ્નો અંગે સીધી દલીલો શરૂ કરી દીધી હતી. તેમણે મંત્રી સામે એક બાદ એક આકરા સવાલોનો મારો ચલાવ્યો હતો, જેમાં જનતાનો રોષ સ્પષ્ટ દેખાતો હતો.

તેમણે સવાલ કરતા જણાવ્યું કે, તમે જનપ્રતિનિધિ છો તો પછી જનતાના ફોન કેમ ઉપાડતા નથી? છેલ્લા ચાર વર્ષના કાર્યકાળમાં તમે ગામમાં કયા વિકાસકામો કર્યા છે તે જણાવો. સરકારી કચેરીઓમાં રૂપિયા આપ્યા વગર કોઈ કામ કેમ થતા નથી? સ્થાનિક કંપનીઓ જ્યારે અહીંના જ સ્થાનિક યુવકોને બ્લેકલીસ્ટ કરે છે, ત્યારે મંત્રી તરીકે તમે કેમ ધ્યાન આપતા નથી?

સવાલ પૂછનારા નાગરિકને પોલીસે કર્યા ડિટેઈન

જાહેર મંચ પર મંત્રી સામે ભ્રષ્ટાચાર અને નિષ્ક્રિયતાના ગંભીર આક્ષેપો થતાં કાર્યક્રમમાં ભારે હોબાળો મચી ગયો હતો. મંત્રી અને શામજીભાઈ વચ્ચે તીખી દલીલો થતાં મામલો ગરમાયો હતો. સ્થિતિ વણસે તે પહેલાં જ ત્યાં તૈનાત પોલીસ કાફલો એક્શનમાં આવ્યો હતો અને મંત્રીને આકરા સવાલો પૂછનારા શામજીભાઈ વીરાની અટકાયત કરીને તેમને કાર્યક્રમ સ્થળેથી દૂર લઈ ગઈ હતી.

લોકોમાં ચર્ચા

જાહેર કાર્યક્રમમાં પ્રજાના પ્રશ્નો ઉઠાવનાર નાગરિક સામે પોલીસ કાર્યવાહી કરાતા સ્થાનિકોમાં ગુપ્ત રોષ જોવા મળી રહ્યો છે. આવતા વર્ષે યોજાવા જઈ છે, ત્યારે મતવિસ્તારના લોકો હવે નેતાઓ પાસે હિસાબ માંગી રહ્યા હોવાનો આ કિસ્સો સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.


આ પણ વાંચો - Kutch News: ભુજ નજીક રેતી ભરેલા ટ્રક ચાલકે મારી ફ્લાઈંગ સ્કોડની કારને ટક્કર


  • Follow us on: