કચ્છમાં આજે અષાઢી બીજના દિવસે નવું વર્ષ ઉજવવામાં આવે છે. ત્યારે ભુજ ખાતેના હમીરસર તળાવ ખાતે સાંસદ વિનોદ ચાવડા દ્વારા કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્નિવલમાં 2500 જેટલા કલાકારોએ ભાગ લીધો છે. કચ્છ કાર્નિવલમાં 60 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. કચ્છની વિવિધ લોક સંસ્કૃતિની અલગ અલગ કૃતિઓ રજૂ કરાઈ છે.


કચ્છીયતને ઉજાગર કરવામાં આવી

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષની ભવ્ય ઉજવણીરૂપે સૌપ્રથમવાર કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘સાંસદ કચ્છ કાર્નિવલ-2025’નો શુભારંભ કરાવ્યો છે. ભુજના હૃદયસમા હમીરસરના કાંઠે આ કાર્યક્રમ ખૂબ હર્ષ અને ઉલ્લાસના રંગોથી સભર બની રહ્યો છે.આ પ્રસંગે કચ્છી માડુઓને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે,વડાપ્રધાન મોદીની લાગણી છે કે કચ્છની સંસ્કૃતિ અવિરતપણે ઉજાગર થતી રહે.આ કાર્નિવલમાં મોટી સંખ્યામાં કલાકારો દ્વારા કચ્છની લોકસંસ્કૃતિ, ભાતીગળ કલાઓ, પરંપરાઓને રજૂ કરીને કચ્છીયતને ઉજાગર કરવામાં આવી છે તે આનંદની વાત છે.

જવાનો સાથે રાત્રિ ભોજનમાં સહભાગી થયા

મુખ્યમંત્રી કચ્છી નૂતન વર્ષના અવસરે આજે કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા BSFની 85 બટાલિયનના જવાનો સાથે રાત્રિ ભોજન-‘બડાખાના’માં સહભાગી થયા હતાં. 1971ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મનના વિસ્તારમાં અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સૈન્યની કોલમ નષ્ટ કરી હતી અને 21માં બલુચ રેજિમેન્ટના રેજિમેન્ટલ હેડક્વાર્ટર પર હુમલો કરીને તેને નષ્ટ કર્યુ હતું.1971ના યુદ્ધમાં આ બટાલિયનના વિજયે તેને "બલુચ વિજેતા"ની ઓળખ અપાવી છે. ઓપરેશન સિંદુરમાં પણ 85 બટાલિયન BSFએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી જે બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતાં.


  • Follow us on: