કચ્છ જિલ્લાના આડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે દેશસેવા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માં સક્રિય રીતે જોડાવા માટે પોતાની સરકારી નોકરીમાંથી અચાનક રાજીનામું આપી દેતાં સમગ્ર પોલીસ બેડા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વર્ષ 2019માં પોલીસ વિભાગમાં જોડાયેલા કોન્સ્ટેબલ રામગર મોહનગર ગોસાઈએ પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક (SP) ને પોતાનું રાજીનામું સુપ્રત કરી દીધું છે.
વડાપ્રધાન દ્વારા દેશના યુવાનોના હિતમાં લેવાયેલા નિર્ણયોથી પ્રભાવિત
રામગર ગોસાઈએ પોતાના રાજીનામા પાછળનું મુખ્ય કારણ દેશસેવા અને સામાજિક-રાજકીય સક્રિયતા દર્શાવ્યું છે. નવી દિલ્હીના જંતર-મંતર ખાતે દેશવિરોધી નેરેટિવ સામે વિરોધ પ્રદર્શનો બાદ વડાપ્રધાન દ્વારા દેશના યુવાનોના હિતમાં લેવાયેલા નિર્ણયોથી પ્રભાવિત થઈને તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
નાગરિક તરીકે સમાજ સેવા કરવી હવે વધુ જરૂરી
તેમણે વિડીયો મેસેજ મારફતે ઉમેર્યું કે, "સરકારી નોકરી મેળવવા માટે મેં ખૂબ જ સખત મહેનત કરી હતી, પરંતુ વર્તમાન રાજકીય સ્થિતિ અને વિપક્ષી વલણ સામે નાગરિક તરીકે સમાજ સેવા કરવી હવે વધુ જરૂરી બની ગઈ છે."
2029 સુધી ચંપલ નહી પહેરું
પોલીસ કર્મચારીએ રાજીનામું આપવાની સાથે જ એક અનોખી પ્રતિજ્ઞા પણ લીધી છે. તેમણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી 2029ની સામાન્ય ચૂંટણીમાં ભારતમાં ફરી એકવાર સંઘ અને મોદી સરકારની વાપસી નહીં થાય, ત્યાં સુધી તેઓ પગમાં પગરખાં કે ચંપલ નહીં પહેરે અને સંપૂર્ણપણે નંગા પગે રહેશે.
હવેથી દેશ હિત માટે સતત કાર્યરત રહેશે
પોતાનું સમગ્ર જીવન હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમર્પિત કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં પૂર્વ કોન્સ્ટેબલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવેથી દેશ હિત માટે સતત કાર્યરત રહેશે. એક ખાખી વરધીધારી જવાન દ્વારા આ પ્રકારે સરકારી સેવાનો ત્યાગ કરી સંઘ કાર્યમાં ઝંપલાવવાની ઘટના અત્યારે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં કૌતુક અને ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો : Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન