અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ ટ્રેનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે મંગળવારે મોડી રાત્રે કચ્છમાં પ્રવેશતા જ આ હાઈટેક ટ્રેનમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ટ્રેનને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. આ અણધારી આકસ્મિક ઘટનાને લીધે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા સેંકડો પ્રવાસીઓ મધ્યરાત્રિએ મુશ્કેલીમાં મુકાયા હતા.
કુકમા રેલવે સ્ટેશન પર ગંભીર ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ
મળતી માહિતી મુજબ, અમદાવાદથી ભુજ તરફ આવી રહેલી નમો ભારત રેપિડ ટ્રેન જ્યારે ભુજ નજીક આવેલા કુકમા રેલવે સ્ટેશન પાસે પહોંચી, ત્યારે તેમાં અચાનક ગંભીર ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ હતી. ખામી એટલી મોટી હતી કે ટ્રેન આગળ વધી શકે તેમ નહોતી. પરિણામે, ટ્રેનને કુકમા સ્ટેશન પર જ ઊભી રાખી દેવાની ફરજ પડી હતી.
3 કલાક સુધી મુસાફરો અટવાયા
રાત્રિના સમયે નિર્જન ગણાતા સ્ટેશન પર ટ્રેન અટકી પડતાં મુસાફરોમાં ભારે દોડધામ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રેન અંદાજે ત્રણ કલાક જેટલા લાંબા સમય સુધી એક જ જગ્યાએ ઊભી રહી હતી. રેલવેના ટેક્નિકલ સ્ટાફ દ્વારા ખામી સુધારવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ત્વરિત સફળતા મળી ન હતી. એરકન્ડિશન્ડ કોચમાં બેઠેલા મુસાફરોને લાંબા સમય સુધી ટ્રેન શરૂ થવાની રાહ જોવી પડી હતી અને ભારે અફડાતફડી મચી ગઈ હતી.
બીજા એન્જિનની મદદ લેવાઈ
અંતે પરિસ્થિતિને થાળે પાડવા માટે રેલવે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. કુકમા સ્ટેશન પર અન્ય એક રેલવે એન્જિન મંગાવવામાં આવ્યું હતું. આ બીજા એન્જિનને નમો ભારત ટ્રેન સાથે જોડવામાં આવ્યું હતું અને ભારે જહેમત બાદ ટ્રેનને રાત્રે જ તેના અંતિમ ડેસ્ટિનેશન એટલે કે ભુજ રેલવે સ્ટેશન સુધી સુરક્ષિત રીતે લાવવામાં આવી હતી. ભુજ પહોંચ્યા બાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે રેલવે તંત્રની આ ટેક્નિકલ ક્ષતિ સામે મુસાફરોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!