કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતેથી ઘરવિહોણા લોકોએ પોતાની આવાસ અને જમીન સંબંધિત માગણીઓ સાથે ભુજ તરફ પગપાળા હિજરત શરૂ કરી છે. બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાની આગેવાની હેઠળ આ કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 55 દિવસથી સતત આંદોલન ચલાવી રહેલા આ ઘરવિહોણા લોકોની માગણીઓ અંગે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કે સાનુકૂળ નિર્ણય ન લેવાતાં આખરે આશરાવિહોણા પરિવારોએ રસ્તા પર ઉતરીને મોરચો માંડવાની ફરજ પડી છે.

તંત્રની ઉદાસીનતા સામે 1000થી વધુ લોકો રસ્તા પર

ગાંધીધામથી શરૂ થયેલી આ કૂચમાં આશરે એક હજાર જેટલા ઘરવિહોણા પુરુષો, મહિલાઓ અને પરિવારો જોડાયા છે. છેલ્લા 55 દિવસથી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર કે સત્તાધીશો દ્વારા આ શ્રમજીવી વર્ગની કોઈ સાંભળ લેવામાં આવી ન હતી. તંત્રના આ અણઘડ અને ઉદાસીન વલણ સામે લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે અને બહુજન આર્મીના નેજા હેઠળ તમામ લોકો એકજૂટ થઈને ન્યાયની માગ સાથે ભુજ તરફ આગળ વધી રહ્યા છે.

ભુજ કલેક્ટર કચેરી ખાતે જઈ રોકાણ કરવા લોકો મક્કમ

ગાંધીધામથી ઉપડેલી આ પદયાત્રા ભુજ પહોંચીને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરશે. આંદોલનકારીઓએ સ્પષ્ટ અને મક્કમ વલણ અપનાવ્યું છે કે તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ત્યાં જ મુકામ કરશે અને જ્યાં સુધી તેમની માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે ત્યાં સુધી ત્યાંથી ખસશે નહીં. આશરે એક હજાર લોકોની ભુજ તરફની આ હિજરત અને લોકકૂચના પગલે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે.

આ પણ વાંચો : Gandhinagar FSL કરશે નેપાળ દુર્ઘટનાના વિક્ટિમ્સની ઓળખ, 10 ફોરેન્સિક અધિકારીઓ રવાના