ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ અને પશુપાલન વિભાગના સચિવ સંદીપકુમારની પ્રેરક ઉપસ્થિતિમાં પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર અને કામધેનું યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ડી. પી. ટાંક દ્વારા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા ભુજ-કચ્છ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયને મંજૂરી આપવામાં આવી હતી.
પશુપાલકોને આધુનિક પશુચિકિત્સા અને સંશોધનના લાભો મળશે
આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂજ ખાતે પશુપાલન ખાતાના માલિકી હેઠળની ૩૮ એકર અને ૨૩ ગુંઠા જમીન અને તેના પર આવેલી તમામ સ્થાવર-જંગમ મિલકતો કામધેનુ યુનિવર્સિટી હસ્તક સોંપવાનો છે. આ જમીન અને મિલકતનો ઉપયોગ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના શૈક્ષણિક, સંશોધન તથા વિસ્તરણ કાર્યો માટે કરવામાં આવશે. વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા-નવી દિલ્હી દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ જરૂરી જમીન, મકાન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આ સમજૂતી કરાર ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પહેલથી કચ્છ અને રાજ્યના અન્ય પશુપાલકોને આધુનિક પશુચિકિત્સા અને સંશોધનના લાભો મળશે.













