ગુજરાતના વન્ય જીવ ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. ચાલુ વર્ષ 2026ના અંત સુધીમાં ગુજરાતમાં વાઘ અને ચિત્તાનું આગમન થઈ જશે. આ સાથે જ ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય બનશે જ્યાં બિલાડી કુળ (Big Cat Family)ના તમામ મુખ્ય પ્રાણીઓ સિંહ, વાઘ, ચિત્તો અને દીપડો એકસાથે જોવા મળશે. વન વિભાગ દ્વારા આ અંગેની તમામ પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

કચ્છના બન્ની વિસ્તારમાં ડિસેમ્બરમાં આવશે ચિત્તા

કચ્છના પ્રખ્યાત બન્ની વિસ્તારમાં ચિત્તાને સ્થાયી કરવા માટેની તમામ તૈયારીઓ આખરી તબક્કામાં છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2026ના અંત સુધીમાં કચ્છના બન્ની ખાતે ચિત્તા લાવી દેવામાં આવશે. આ ચિત્તાઓ મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કથી અથવા તો સીધા આફ્રિકાથી ગુજરાતના બન્ની વિસ્તાર માટે ફાળવવામાં આવશે. બન્નીનું ઘાસચારાવાળું મેદાન ચિત્તાના કુદરતી વસવાટ માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે.

રતનમહાલના જંગલોમાં વસશે વાઘની નર-માદાની જોડી

દાહોદ જિલ્લાના રતનમહાલના જંગલોમાં પહેલાથી જ સ્થાયી થયેલા વાઘ બાદ હવે અન્ય એક વાઘની જોડી ગુજરાતને ફાળવવામાં આવશે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં રતનમહાલના જંગલોમાં વાઘના વસવાટ માટે યોગ્ય અને અનુકૂળ વાતાવરણ હોવાનો સકારાત્મક રિપોર્ટ આપવામાં આવ્યો છે. ડિસેમ્બર 2026ના અંતમાં વધુ એક વાઘ આવતાની સાથે જ ગુજરાતમાં વાઘની નર અને માદાની સંપૂર્ણ જોડી તૈયાર થઈ જશે.

Kutch News: Gujarat to Welcome Tigers and Cheetahs by December 2026, Cat Family Hub

વન વિભાગના ઉચ્ચ અધિકારીએ આપી સત્તાવાર માહિતી

આ અંગે માહિતી આપતા IFS અધિકારી અને પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (PCCF) જયપાલસિંહે જણાવ્યું હતું કે, NTCA તરફથી લીલી ઝંડી મળી ગઈ છે, અને રાજ્યમાં વાઘ તથા ચિત્તાના વસવાટ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા સુનિશ્ચિત કરી લેવામાં આવ્યા છે. વન્ય જીવોના આ આગમનથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પણ મોટો વેગ મળશે.


આ પણ વાંચો: Kutch: માંડવીમાં ₹45 લાખનું આંધણ કરીને લગાવેલા 81 CCTV કેમેરા વર્ષોથી શોભાના ગાંઠિયા! વાયરો ચોરાઈ ગયા ને તંત્ર ઊંઘતું ઝડપાયું