બોટાદ જિલ્લાના ગઢડામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન મોટું કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે અંદાજે 1100 થી વધુ મતદારોના નામ યાદીમાંથી કમી કરવા માટે ખોટી રીતે 'ફોર્મ નંબર 7' ભરી દેવામાં આવ્યા છે. વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના સદસ્ય કુલસમ ચૌહાણ સહિતના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે દોડી જઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસનો દાવો છે કે સત્તાધારી પક્ષના ઈશારે મતદારોના અધિકારો પર તરાપ મારવામાં આવી રહી છે અને સ્થળાંતરના બહાને સ્થાનિક મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે.


ગઢડા ચૂંટણી પહેલાં જ ગરમાવો

આ મામલે કોંગ્રેસે મામલતદારને રજૂઆત કરી છે કે કચેરીના CCTV ફૂટેજ તપાસવામાં આવે જેથી ખબર પડે કે આટલી મોટી સંખ્યામાં ખોટા ફોર્મ કોણે જમા કરાવ્યા છે. વિરોધ પક્ષે આ ઘટનામાં સંડોવાયેલા દોષિતો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી છે. જો આગામી દિવસોમાં આ મામલે યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે અને મતદાર યાદીમાં સુધારો કરવામાં નહીં આવે, તો ગઢડામાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ વિવાદને પગલે સમગ્ર બોટાદ જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.

આ પણ વાંચો : Patan News : હારીજ નગરપાલિકામાં ભાજપ વિરુદ્ધ ભાજપ, સત્તાની ખેંચતાણમાં બળવાખોરોએ પક્ષની છબી ખરડી!

  • Follow us on: