પાટણ જિલ્લાની હારીજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાલિકાના પ્રમુખે પોતાના જ પક્ષના બળવાખોર સભ્યો સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, જેમને પક્ષનું મેન્ડેટ નથી મળ્યું તેવા સભ્યો સત્તા મેળવવાની લાલચમાં ભાજપને બદનામ કરી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પ્રમુખ અને ઉપપ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ધમકીને પગલે સુરક્ષાના કારણોસર પ્રમુખ અને ઉપપ્રમુખ પાલિકાની કાર્યવાહીમાં ગેરહાજર રહ્યા હતા, જેનાથી સ્થાનિક રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે.
ધમકીના ડરે પ્રમુખ-ઉપપ્રમુખ ગેરહાજર
પ્રમુખે વધુમાં સ્પષ્ટતા કરી છે કે વિરોધીઓ દ્વારા બિલની ચૂકવણી ન કરવા અંગેના જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. માત્ર પદ છીનવવાના બદઈરાદાથી જ આ પ્રકારના કાવતરાં ઘડવામાં આવી રહ્યા છે. હારીજ ભાજપના સભ્યો વચ્ચેનો આ ગજગ્રાહ હવે શમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે પાલિકા પ્રમુખે આ સમગ્ર મામલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં આ પ્રકારનો આંતરિક ક્લેશ આગામી સમયમાં મોટા ફેરબદલના સંકેતો આપી રહ્યો છે.
