મહીસાગર જિલ્લામાં મહેસૂલ વિભાગના વર્ગ-3 ના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્યવ્યાપી આહ્વાન વચ્ચે આજથી સત્તાવાર રીતે અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. જિલ્લાના 250થી વધુ મહેસૂલી કર્મચારીઓ એકસામટા હડતાલ પર ઉતરી જતાં જિલ્લા વહીવટી તંત્રનું કામકાજ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીઓ તેમજ વિવિધ તાલુકાઓની મામલતદાર કચેરીઓમાં કર્મચારીઓની ગેરહાજરીના કારણે પોતાના સરકારી અને મહેસૂલી કામકાજ અર્થે આવતા હજારો અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

14 વિવિધ પડતર માંગણીઓ અંગે 'આરપારની લડાઈ'

કર્મચારી મંડળ દ્વારા અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં પ્રમોશન, ગ્રેડ પે અને વહીવટી સુધારા સહિતની વિવિધ 14 જેટલી મુખ્ય પડતર માંગણીઓનો કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નહોતો. આથી રોષે ભરાયેલા કર્મચારીઓએ આ વખતે 'લડી લેવાના મૂડ'માં આવીને આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આજ રોજ મોટી સંખ્યામાં કર્મચારીઓ મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે એકત્રિત થયા હતા. જ્યાં તેમણે વિરોધના પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા તથા સરકારને સદ્બુદ્ધિ મળે તે માટે કચેરી પરિસરમાં રામધૂન બોલાવીને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

હડતાલ લંબાશે તો અરજદારોની હાલાકી વધશે

મહેસૂલી કર્મચારીઓની હડતાલના કારણે આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, જમીન મહેસૂલને લગતી કામગીરીઓ અને વિવિધ સત્તાવાર દસ્તાવેજોના કામ અટકી પડ્યા છે. કર્મચારી મંડળના હોદ્દેદારોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરકાર તેમની તમામ વાજબી માંગણીઓનો કાયમી સ્વીકાર નહીં કરે ત્યાં સુધી આ અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે. જો આ મડાગાંઠનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં ઓર વધારો થવાની પૂરતી સંભાવના છે.

આ પણ વાંચો : Surat કલેક્ટર કચેરી ખાતે ડુમ્મસ-ભીમપોરના માછીમારોનો મોરચો, રોજીરોટીના પ્રશ્ને કરી ઉગ્ર રજૂઆત