સુરત શહેરના ડુમ્મસ અને ભીમપોર વિસ્તારના માછીમારોએ પોતાની પડતર અને ગંભીર સમસ્યાઓને લઈને સુરત કલેક્ટર કચેરી ખાતે ભવ્ય મોરચો યોજ્યો હતો. દરિયામાં માછીમારી દરમિયાન થતા ભારે આર્થિક નુકસાન અને સ્થાનિક દરિયાખેડુઓની રોજીરોટી પર ઊભા થયેલા સંકટ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક યોગ્ય ન્યાય અને ઉકેલ લાવવા માટે માછીમારો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
જાફરાબાદના માછીમારોની 'બોક્સ ફિશિંગ' બની મુસીબત
માછીમારોએ સત્તાવાળાઓ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે જાફરાબાદ વિસ્તારના માછીમારો સુરતના ડુમ્મસ અને ભીમપોરના દરિયાઈ કક્ષામાં આવીને આક્રમક રીતે માછીમારી કરી રહ્યા છે. જાફરાબાદના માછીમારો 'બોક્સ ફિશિંગ' પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેમાં ખૂબ જ મોટી અને ભારે જાળનો ઉપયોગ થાય છે. તેની સામે સ્થાનિક ડુમ્મસ અને ભીમપોરના માછીમારો પરંપરાગત 'તરતી જાળ' (ફ્લોટિંગ નેટ) વડે માછીમારી કરે છે, જે કદમાં ખૂબ જ નાની હોય છે.
